બાળકોને 3-4 કલાકનું ઓનલાઈન શિક્ષણ માનસિક અત્યાચાર સમાન

Education
  • શાળાનો પ્રચાર-પ્રસાર અને ફી પાછી ન આપવાનો કે માફ ન કરવાનો નુસખો
  • ઓનલાઈન એજ્યુકેશનથી આંખ, કાન, મગજ, મન પર ગંભીર અસરની શક્યતા

કોરોનાનાં કારણે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ગુજરાતમાં ધોરણ ૧થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં લોકડાઉન દરમિયાન સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી વગેરેનાં ટીચર્સ, પ્રોફેસર્સ, સ્ટાફ સ્ટુડન્ટ ઝૂમ એપ્લીકેશનનો સતત ઉપયોગ કરતા નજરે પડે છે. વડોદરાની  મોટાભાગની સ્કૂલ ખાસ કરીને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ ઝૂમ એપ પર વિદ્યાર્થીઓને  ભણાવી રહી છે.
ભારતમાં કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને નેશનલ સાયબર સિક્યુરિટી એજન્સીએ ઝૂમ  એપના ઉપયોગ અંગે બહુ પહેલેથી જ ચેતવણી આપી છે, તેમ છતાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ્સ સાયબર રિસ્ક લઈને પણ ઝૂમ એપ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉઠા ભણાવી રહી છે. કારણ સ્પષ્ટ છે, શાળાનો પ્રચાર-પ્રસાર અને ફી પાછી ન આપવાનો કે માફી ન કરવાનો નૂસખો છે. 
આજ સુધી જે સ્કૂલ્સ સ્માર્ટફોનનાં ઉપયોગથી થતા નુકસાનની વાત કરતી હતી તે જ સ્કૂલ્સ હવે વિદ્યાર્થીઓને કલાકો સુધી સ્માર્ટફોન પર શિક્ષણ આપે છે. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ મન-મગજ માટે કેટલો હાનિકારક છે એ સૌ શૈક્ષણિક તજજ્ઞો જાણે-સમજે જ છે છતાં તેઓ વિદ્યાર્થીઓને ફરજીયાત ઓનલાઈન એજ્યુકેશન લેવા દબાણ કરી રહ્યાં છે. પાછુ ઘરબેઠા પણ વિદ્યાર્થીઓએ યુનિફોર્મ પહેરી જ ભણવા બેસવાનું ડીંડક. યુનિફોર્મ પહેરે કે ન પફેરે શું ફર્ક પડે?  સ્કૂલ્સને એમાં પણ પબ્લિસિટી કરી લેવી છે.  ધોરણ ૧૦-૧૨ બોર્ડનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે એ બરાબર છે પરંતુ ધોરણ ૧થી ૮નાં પ્રાથમિક વિભાગનાં ભૂલકાઓને પણ દરરોજ ત્રણ-ત્રણ કલાક ખાલીખોટુ શિક્ષણ આપી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલવાળા માનસિક રીતે હેરાન-પરેશાન કરી મૂકે છે.  લોકડાઉનમાં ઘરમાં રહીને બાળક કોરોનાથી બચી જશે પણ લોકડાઉન પૂરો થશે ત્યાં સુધીમાં ઓનલાઈન એજ્યુકેશન લઈને આંખ, કાન, મગજ, મન પરની ગંભીર અસરથી નહીં બચી શકે. 
બાળકોમાં માનસિક તાણ ઊભો થઈ શકે છે
 ઇન્ટરનેટ કનેક્શન ઘણીવાર નબળો હોવાથી વીડિયોની ગુણવત્તા જળવાતી નથી અને બાળકોની આંખો નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. લાંબો સમય એક જગ્યાએ બેસી રહેવાથી પણ નુકસાન થઈ શકે છે તથા બાળકોમાં માનસિક તાણ ઉભો થાય તેવી શક્યતાઓ છે.– સમીર શાહ, બાળરોગ નિષ્ણાત
વિદ્યાર્થી સાઇબર  એટેકનો ભોગ બની રહ્યા છે
 વિડિયો કોન્ફરન્સિંગ વિદ્યાર્થીઓની માનસિકતામાં બદલાવ કરી રહ્યું છે અને તેનો ઉપયોગ કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓ સાયબર એટેક નો ભોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓના હાથમાં મોબાઈલ કે કમ્પ્યુટર ચારથી આઠ કલાક રહે છે. જેથી અભ્યાસની સાથે ગેમિંગ કલ્ચર પણ સક્રિય બની રહ્યું છે. જે અભ્યાસમાં નડતર રૂપ બનશે. – મયુર ભુસાવરકર, સાઈબર એક્સપર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *