કારેલીબાગના PSI કોરોના પોઝિટિવ, 3 દર્દીના મોત, વધુ 28 પોઝિટિવ સાથે કુલ કેસ 961 થયા, મહિસાગરમાં કુલ 120 કેસ

COVID-19

કાલોલ તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કારેલીબાગ પોલીસ સ્ટેશનના PSI એચ. એમ. પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી તેમના સંપર્કમાં આવેલા બે પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 28 પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 961 થઇ છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી આજે વધુ ત્રણ લોકોના મોત થયા છે. વાડી વચલી પોળ પ્રેમાનંદ કવિની પોળમાં રહેતા 67 વર્ષિય પ્રવિણચંદ્ર ડાહ્યાભાઇ પટેલનું મોત નીપજ્યું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન આજે સવારે તેઓનું મોત નીપજ્યું હતું. ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચોખંડી વિસ્તારમાં આવેલા મોહનલાલ હાડવૈદના ખાંચામાં રહેતા 52 વર્ષિય રાજેશભાઇ નટવરલાલ પટણીનું મોત નીપજ્યું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓનું વહેલી સવારે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત વાડી ભાટવાડામાં રહેતા 74 વર્ષિય શશીકાંત શંકરલાલ સોનીનું વહેલી સવારે મોત નીપજ્યું હતું. તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
મહિસાગરમાં આજે વધુ 8 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 120 થઇ
મહિસાગર જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 120 ઉપર પહોંચી ગઇ છે. કડાણામાં 3, બાલસિનોરમાં 2, લુણાવાડામાં 1, સંતરામપુરમાં 1 અને ખાનપુરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
કાલોલ તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદથી દંપતી પોતાના માદરે વતન કાલોલ તાલુકાના એરાલ ગામમાં આવ્યું હતું. જેમાંથી 60 વર્ષીય મહિલા રેવાબેન મોહનભાઇ સોલંકીને બે દિવસ પહેલા ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોધરા કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કાલોલ તાલુકામાં કોરોના વાઈરસે પ્રવેશ કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આરોગ્ય વિભાગની 10 ટીમ 28 દિવસ માટે સર્વેની કામગીરી કરશે. 5 લોકોને ક્વોરન્ટીન કરીને તાજપુરા મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે 17 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા કરવામાં આવ્યા છે. 5700ની વસ્તી ધરાવતા એરાલ ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી ગઇ છે.
પાદરાના મોભા રોડ સ્ટેશન પાસે જૈન મંદિર નજીક કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી
વડોદરા જિલ્લાના પાદરાના મોભા રોડ સ્ટેશન પાસે જૈન મંદિર નજીક બુધવારે કોરોનાનો એક પોઝિટિવ કેસ આવ્યો હતો. જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ સહિત વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે અને આરોગ્ય વિભાગે વિસ્તારમાં કામગીરી શરૂ કરી છે.

આજે વધુ 18 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 548 દર્દી કોરોના મુક્ત થયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 961 ઉપર પહોંચી ગઇ છે. સત્તાવાર મૃત્યુઆંક 42 ઉપર પહોંચ્યો છે. આજે વધુ 18 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 548 દર્દી કોરોના મુક્ત થયા છે. 
હજી 371 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર હેઠળ છે
વડોદરા શહેરમાં હજી 371 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર લઇ રહ્યા છે. જેમાંથી 13 દર્દીઓ ઓક્સીજન ઉપર છે અને 7 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. આ ઉપરાંત 1557 લોકો હાલ ક્વોરન્ટીન હેઠળ છે. જે પૈકી 1551 લોકો હોમ ક્વોરન્ટીન છે, જ્યારે 6 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

Source : www.divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *