વડોદરામાં કોરોનાથી વધુ 4 દર્દીના મોત, મહીસાગર જિલ્લામાં કેસો વધતા રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ લુણાવાડાની મુલાકાત લીધી

COVID-19

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ લુણાવાડામાં તંત્ર અને આરોગ્યકર્મીઓ સાથે બેઠક કરીકલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથેની બેઠકમાં કોરોના વાઈરસને નિયંત્રણમાં લેવા માટે સૂચનો આપ્યા

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 4 દર્દીઓના મોત થયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 55 વર્ષીય પ્રકાશ ગોપાલભાઇ પટેલ(રહે કાછીયાપોળ રાજમહેલ રોડ)નું કોરોનાથી મોત થયું છે. જ્યારે નસવાડીની 22 વર્ષીય યુવતી પિન્કલબેન રાઠવાનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત 78 વર્ષીય રણછોડભાઇ શાહ(વાઘોડિયા રોડ)નું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમ ત્રણેય દર્દીઓના મૃતદેહોને ખાસવાડી સ્મશાન ખાતે લઇ ગઇ હતી અને સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યાં હતા. આ ઉપરાંત ગોધરાના એક કોરોના પોઝિટિવ દર્દીનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. ગોધરાની મોદીની વાડી-1 વિસ્તારના 65 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસો વધતા રાજ્યના આરોગ્ય અગ્રસચિવે લુણાવાડાની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 120 ઉપર પહોંચી ગઇ છે. જેને લઇને રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આજે લુણાવાડાની મુલાકાત લીધી હતી અને લુણાવાડામાં તંત્ર અને આરોગ્યકર્મીઓ સાથે બેઠક કરી હતી અને કોરોના વાઈરસને નિયંત્રણમાં લેવા માટે સૂચનો આપ્યા હતા. 

કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 995 ઉપર પહોંચી
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 995 ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં સત્તાવાર 42 દર્દીઓના મોત થયા છે. તો કુલ 578 લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. વડોદરામાં અત્યારે 48,879 લોકો રેડ ઝોનમાં છે અને 70851 લોકો ઓરેન્જ ઝોનમાં છે. આ ઉપરાંત 1616 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 1609 લોકો હોમ ક્વોરન્ટીન છે, જ્યારે 7 લોકો પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

Source : www.divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *