પૂર ટાણે વાહનો ભાડે લેવા પાલિકાને 43 લાખનો ખર્ચ

General Monsoon

રાહત- બચાવ માટે 1500 વાહનોનો ઉપયોગ  સ્થાયી સમિતિમાં મંજૂરી માટે બિલ રજૂ કરાયું

શહેરમાં એક સાથે એક જ દિવસમાં ત્રાટકેલા 20 ઇંચ વરસાદ બાદ આવેલા પૂરની સ્થિતિ નિવારતાં પાલિકાના તંત્રને એક મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો અને તેમાં રાહત બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાયેલા 1500થી વધુ વાહનોના ભાડા પેટે 43 લાખ રૂપિયાનું ભારણ આવ્યું છે. તા.31 જુલાઇના રોજ શહેરના માથે આભ ફાટયુ હતુ અને સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયુ હતુ.શહેરની આસપાસ પણ પાણી ભરાયા હતા અને આજવાની સપાટી ભયજનક વટાવી જતાં તેમાંથી પાણી છોડવામાં આવતા શહેરમાં પૂરની સ્થિતિ ઉભી થઇ હતી.


આ સંજોગોમાં,પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોના બચાવની કામગીરી તેમજ પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકીની સાફ સફાઇ માટે વાહનો ભાડે લેવાની જરૂરિયાત ઉભી થઇ હતી.આ કામગીરી ઇમરજન્સીમાં કરવાની હોવાથી ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર વાહનો ભાડે લેવામાં આવ્યા હતા.જેમાં ત્રણ જુદા જુદા ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી વાહનો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને, મુસાફરી માટેના વાહનો માટે પાલિકાનો ઇજારો હતો તો છોટા હાથીથી લઇને ક્રેઇન સુધીના વાહનો માટે 8 કલાકના રૂા.2160થી રૂા.10800નો ભાવ નક્કી કરાયો હતો. આ વાહનો ભાડે લેવા બદલ ત્રણ એજન્સીએ પાલિકામાં બિલ રજૂ કર્યા છે. તેમાં કુલ રૂા.43 લાખના બિલો મંજુરી માટે મૂકવામાં આવતા તેની જાણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.


સયાજીબાગ ઝૂની સાફ સફાઇ પાછળ 99 હજારનો ખર્ચ
પૂર ટાણે સયાજીબાગમાં પણ પાણી ભરાયા હતા અને ઝુમાં પણ આ જ સ્થિતિ હતી. પશુ પંખી અને પ્રાણીઓની સુરક્ષા ખાતર તેમજ રોગચાળો ના થાય તે માટે તે ટાણે તાત્કાલિક ગંદકીની સફાઇ કરાવવા માટે માનવદિનથી ઇજારો આપવાનું નક્કી થયુ હતું. કાદવકીચડ સહિતની સફાઇ માટે રૂા.1 લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી હતી અને તેનું કામ 99 હજાર રૂપિયામાં પૂરુ થતાં તેની મંજુરી માટે પણ સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *