હોસ્પિટલે મારામારીની જાણ પોલીસને ન કરતા ઇજાગ્રસ્ત યુવાન ગ્લુકોઝની બોટલ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો, ફરિયાદ નોંધાવી

Crime
  • ભરૂચની બાયપાસ ચોકડી પાસે સિગારેટના ધૂમાડા ઉડવા મુદ્દે મારામારી થઇ હતી
  • ચપ્પુથી હુમલામા ઇજાગ્રસ્ત યુવાનને પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડાયો હતો
  • પોલીસ સ્ટેશનના પીઆઇએ હોસ્પિટલ સંચાલકોનો ઉધડો લીધો 

ભરૂચની બાયપાસ ચોકડી નજીક ચાની લારી ઉપર સિગરેટના ધૂમાડા ઉડવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ મારામારી થઇ હતી. જેમાં એક વ્યક્તિને મોઢાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ સંચાલકોએ મારામારીની ઘટના અંગેની જાણ પોલીસને ન કરતા ઇજાગ્રસ્ત યુવાન ગ્લુકોઝના બોટલ સાથે ભરૂચ બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવી હતી.
હોસ્પિટલે પોલીસને મારામારીની વર્ધી આપી નહોતી
મંગળવારે મોડી રાત્રે ભરૂચની બાયપાસ ચોકડી પાસે આવેલી ચાની લારી ઉપર સિગરેટના ધૂમાડા ઉડવા મુદ્દે બોલાચાલી બાદ ઝપાઝપી થતાં મારામારી થઇ હતી. જેમાં મહંમદ રબ્બાની યુનુસ મંજરે પોતાના હાથમાં રહેલું ચપ્પુ તૌસીફ યુસુફ પટેલ નામના વ્યક્તિના મોઢા ઉપર માર્યુ હતું. અને છાતીના ભાગે પગથી લાતો મારી હતી. જેથી તૌસીફને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ગંભીર હાલતમાં તેને સારવાર માટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટના જાણ હોસ્પિટલ સંચાલકોએ પોલીસને કરી ન હતી. જેથી ઇજાગ્રસ્ત તૌસીફ હુમલો થયાના 4 કલાક બાદ ગ્લુકોઝના બોટલ સાથે વાનમાં બેસીને ભરૂચ બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયો હતો.
હોસ્પિટલ સંચાલકો અને હુમલાખોરો વચ્ચે મિલીભગતના આક્ષેપ
હોસ્પિટલ સંચાલકોએ પોલીસને જાણ ન કરી હોવાની પોતે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવ્યો હોવાની વાત કરી હતી. અને હોસ્પિટલ સંચાલકો અને હુમલાખોરો વચ્ચે મિલીભગત હોવાના પણ આક્ષેપ કર્યાં હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
યુવાનને જોતા પીઆઇ ચોંકી ઉઠ્યા
ઇજાગ્રસ્ત યુવાનને ગ્લુકોઝના બોટલ સાથે જોઇને ફરજ પરના પીઆઇ ચોંકી ઉઠ્યા હતા અને હોસ્પિટલના સંચાલકો વર્ધી કેમ ન આપી તેમ કહીને વેલ્ફેર હોસ્પિટલના સંચાલકોનો ઉધડો લઇને ખખડાવ્યા હતા.
પટેલ વેલ્ફેર હોસ્પિટલના સંચાલકોએ દિલગીરી વ્યક્ત કરી
હોસ્પિટલ સંચાલકોએ મોડી રાત્રે લોકોના ટોળા વધુ પ્રમાણમાં હોવાથી હોસ્પિટલમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખીને વર્ધી આપવામાં વાર લાગી હશે તેવી વાત કરી હતી અને પટેલ વેલ્ફેર હોસ્પિટલના સંચાલકોએ દિલગીરી વ્યક્ત કરી હતી.
બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી
હુમલાખોરોને ઈજા થઈ હોવાના પગલે મહંમદ રબ્બાની યુનુફ મંજરના ઈસમે પણ તૌસીફ યુસુફ પટેલ સામે તથા અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહંમદ રબ્બાની યુનુફ મંજરને હાથ અને પગમાં ઇજાઓ થઇ હોવાથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(અહેવાલઃ પ્રકાશ મેકવાન, ભરૂચ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *