ઇઝરાયેલના એસ્કેલોન અને વડોદરા વચ્ચે કલ્ચરલ અને શિક્ષણ સહિતના ક્ષેત્રે આદાન-પ્રદાનના કરાર, ટ્વીન સિટીનો પાયો નંખાયો

Education
  • એસ્કેલોન અને વડોદરાના મેયર વચ્ચે મિત્રતા વધુ મજબૂત બનાવવા માટે હસ્તાક્ષર 
  • ઇઝરાયલ સાથે ભારતના સંબંધો વધુ ગાઢ બનાવવાના વડોદરાનો પ્રયાસ

ઇઝરાયેલના એસ્કેલોન અને વડોદરા વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનાવવા માટે વડોદરાના મેયર ડો. જિગીષાબેન શેઠ અને એસ્કેલોનના મેયર ટોમર ગ્લેમ વચ્ચે કલ્ચરલ અને એજ્યુકેશન સહિતના ક્ષેત્રે આદાન-પ્રદાનના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે જ એસ્કેલોન અને વડોદરા વચ્ચે ટ્વીન સિટીનો પાયો નંખાયો છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયેલના નિકીતન કોન્ટ્રાક્ટર સહિત વડોદરાનું પ્રતિનિધિ મંડળ અને એસ્કેલોનના અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને દેશો વચ્ચે સંબંધ વધુ મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે એસ્કેલોન અને વડોદરા વચ્ચે ટ્વીન સિટી માટે ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વડોદરાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર ઇઝરાયેલની મુલાકાતે
ઇઝરાયેલની એસ્કેલોન સિટી દ્વારા વડોદરાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મેયર ડો. જિગીષાબેન શેઠ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય ઇઝરાયેલના પ્રવાસે ગયા હતા. તેમની સાથે નિકીતન કોન્ટ્રાક્ટર સહિત ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલના પ્રતિનિધિઓ પણ પ્રવાસમાં જોડાયા હતા.
ઇઝરાયેલમાં વસતા ભારતીય મૂળના આગેવાનો ઉપસ્થિત રહ્યા
એસ્કેલોન મ્યુનિસિપાલિટીના સિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસ્કેલોનના મેયર ટોમર ગ્લેમ, ફસ્ટ ડે. મેયર સોફિયા, પૂર્વ મેયર એલી દયાની, બેની મખ્ખયાની, બંને શહેર વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહેલી એસ્કેલોનની રાજકીય અગ્રણી ડો. રિકી શાય, સિટી ના કાઉન્સિલરો, બ્રાઝેલીયન મેડિકલ સેન્ટરના ડે. ડાયરેકટર ડો. રોન તથા ઇઝરાયેલમાં વસતા ભારતીય મૂળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઇઝરાયેલમાં ભારતીય એમ્બેસેડરે મેયરને શુભેચ્છા પાઠવી
આ બેઠકમાં શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્ત્રી સશક્તિકરણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા મુખ્ય મુદ્દા ઉપર બંને શહેરો દ્વારા આદાન પ્રદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને શહેર એકબીજાને કેવી રીતે મદદરૂપ થઇ શકે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. એસ્કેલોન મ્યુનિસિપાલિટીના સિટી હોલમાં બંને શહેરના મેયરોએ ડેકલેરેશન પર હસ્તાક્ષર કર્યાં હતા. ઇઝરાયેલમાં ભારતીય એમ્બેસેડર સંજીવ સિઘલા મેયરને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *