શહેરમાં 8મો પોઝિટિવ કેસ નોંધાયો, 3 શંકાસ્પદ દર્દીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા

COVID-19
  • યુકેથી નડિયાદ આવ્યા બાદ 55 વર્ષના નિખિલ પટેલને દાખલ કરાયા હતા
  • ગોત્રી જીએમઇઆરએસમાં 50 બેડથી હોસ્પિટલ શરૂ કરી દેવાઇ

બુધવારે શહેરમાંથી કોરોનાના  વધુ એક કેસ પોઝિટિવ જાહેર થતાં શહેરમાં પોઝિટીવ જાહેર થયેલાં દર્દીઓનો કુલ આંક 8 પર પહોંચ્યો છે. મૂળે નડિયાદ અને હાલ અંકોડિયામાં રહેતાં 55 વર્ષીય નિખિલ ચુનીલાલ પટેલ યુકેથી પરત ફર્યા હતા. તેમણે કોરોનાના લક્ષણો જણાતાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. જ્યાં તેમનો રિપોર્ટ મોડી સાંજે પોઝિટિવ આવ્યો હતો. તેમનું ડાયાલિસીસ પણ શરૂ કરાયું હતું. 3 શંકાસ્પદ દર્દી એસએસજીના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. આ સાથે એસએસજીમાં દાખલ પેન્ડિંગ રિપોર્ટનો આંક 4 પર પહોંચ્યો છે. જ્યારે નિઝામપુરાના બિલ્ડર સહિત તેમના કુટુંબના પાંચ કોરોના પોઝિટિવ સભ્યો સહિત 7 દર્દીઓના આરોગ્યની સ્થિતિ પર તબીબો ચાંપતી નજર રાખી રહ્યાં છે.

સિઝનલ ફ્લુમાં 130 વ્યક્તિનું સ્ક્રિનિંગ કર્યું
શંકાસ્પદ દર્દીઓમાં છાણી જકાતનાકાની ભગીરથ સોસાયટીના વિનય દશપ્રમુખ દેસાઇ (ઉવ.68), હર્ષ ભદ્રેશ પટેલ(ઉવ. 27) રહે. ઇસ્કોન હાઇટ્સ, ગોત્રી. વાઘોડિયા રોડના મનન પાર્કના ભૂપેન્દ્ર ચીમનભાઇ પટેલ(ઉવ.47)નો સમાવેશ થાય છે. આ પૈકીના હર્ષ અને ભૂપેન્દ્રભાઇને આજવા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં તબિયત વધુ વકરતા એસએસજીમાં ખસેડાયા હતા. બુધવારે સિઝનલ ફ્લુમાં 130 વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

હોમ ક્વોરન્ટાઇનમાંથી ભાગેલો ચાણોદનો યુવક દહેજથી પકડાયો
હોમ ક્વોરન્ટાઇન કરાયો હોવા છતાં ઘેરથી ભાગીને દહેજ જતા રહેલા ચાણોદના યુવકને એલસીબીએ દહેજથી રાઉન્ડ અપ કર્યો હતો. જિલ્લામાં પોલીસે જાહેરનામા ભંગના 12 ગુના નોંધ્યા હતા. એલસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાણોદના યુવકને હોમ ક્વોરન્ટાઇન કરાયો હતો પણ તે ઘેર રહેવાના બદલે ભાગી ગયો હતો. તે દહેજ હોવાની માહિતી મળતાં એલસીબીની ટીમે દહેજ જઇ તેને રાઉન્ડ અપ કર્યો હતો અને તેની સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ પોલીસે લોકડાઉનના પગલે જાહેર કરાયેલા જાહેરનામાનો ભંગ કરનારા 12 જણા સામે પણ  ગુનો નોંધ્યો હતો.

વધુ 322 ટ્રાવેલર્સને હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયાં 
કોરોના વાઇરસ પર નિયંત્રણ લાવવા માટે શહેરનું વહીવટી તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં તંત્ર દ્વારા 322 ટ્રાવેલર્સને હોમ ક્વાૅરન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. જ્યારે 46 લોકોને આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમાંથી 8 લોકો શ્રીલંકાથી પરત આવેલા ગૃપના સક્રિય સંપર્કમાં હતા. અને અન્ય લોકો કોરોના પોઝીટીવ કેસોના સંપર્કમાં આવ્યા હતા.

શહેરમાં 1300 લોકો હોમ ક્વોરેન્ટાઇન થયા
વહીવટી તંત્ર ટૂંકા ગાળામાં વિદેશથી પરત આવેલાં અથવા તો અન્ય રાજ્યોમાંથી શહેરમાં આવેલાં લોકોની ભાળ મેળવી વધુ તપાસ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પાલિકા વહીવટી તંત્ર દ્વારા 322 ટ્રાવેલર્સને હોમ ક્વોરન્ટાઇન કરાયાં હતાં. તેની સાથે શહેરમાં હોમ ક્વોરન્ટાઇન થનારાંઓની સંખ્યા 1,300 સુધી આવી પહોંચી હતી. તથા ટૂકા ગાળામાં વિદેશથી આવેલાં 46 લોકોને આજવા રોડ પર તૈયાર કરવામાં આવેલા લેપ્રસી ગ્રાઉન્ડના ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં. આજવા રોડ પર ક્વોરન્ટાઇ કરાયેલા લોકોમાં કોરોના પોઝીટીવ કેસોના સંપર્કમાં આવેલા હોસ્પીટલ સ્ટાફ, લોબોરેટરીમાં કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.

વિવિધ હોસ્પિટલોમાં 1000 બેડની ક્વોરન્ટાઇન ફેસિલિટી ઊભી કરાશે
કોરોના સામેની હવે પછીના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને  વડોદરામાં હવે તંત્ર દ્વારા 1000 બેડની ક્વોરેન્ટાઇન ફેસિલિટી ઊભી કાશે.  શહેરમાં મોટી સંખ્યામાંથી વિદેશથી લોકો પરત ફર્યા બાદ તેમના પરિવારજનોમાં ભળી ગયા હોવાથી તેમને સૌને ઓળખી-શોધીને જાહેર હિતમાં ક્વોરેન્ટાઇન કરવા પડે તેમ છે. તેથી આ એક હજાર બેડની ક્વોરેન્ટાઇન ફેસિલિટી ઊભી કરાશે. વિવિધ હોસ્પિટલની મદદ વડે સરકારી હોસ્પિટલોની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે.

ગોત્રીમાં વધુ 300 બેડની વ્યવસ્થા કરવામાં આવશે
આ ઉપરાંત ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે 50 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં 15 જેટલા વેન્ટિલેટર્સ મૂકાયા છે. શનિવાર સુધીમાં કુલ 50 વેન્ટિલેટર્સ મૂકાશે. બુધવારે આરોગ્ય વિભાગના સરકારના વિશેષ ઓફિસર ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલ અને હાઇસ્પીડ રેલ્વે હોસ્પિટલ પ્રતાપનગરની પણ મુલાકાત લીધી હતી. ગોત્રી હોસ્પિટલ ખાતે 300 બેડની વિશેષ ક્વોરેન્ટાઇન ફેસિલિટી અને 165 જેટલા એસી અને બે બેડ ધરાવતા રૂમ્સની ફેસિલિટી પણ ઊભી કરવામાં આવશે. કલેક્ટર દ્વારા ખાનગી અને ટ્રસ્ટ હોસ્પિટલોના પ્રતિનિધિઓની બેઠક યોજી હતી.

ગોત્રી ડોમ હોસ્પિટલ માટે 15 તબીબો અને નર્સોની તાત્કાલિક ભરતી કરાશે
કોરોના વાઇરસ (કોવિડ-19)નાં દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા  ગોત્રી જી.એમ.ઈ.આર.એસ ખાતે 250 બેડની નવી હોસ્પિટલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક નિષ્ણાત તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની ભરતી કરવાનું શરૂ કરાયું છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 21 દિવસ માટે શહેરીજનોને ઘરની લક્ષ્મણરેખા ન ઓળંગવા માટે અપીલ કરાઈ છે.જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે,  કોવિડ -19 ની સારવાર- સુવિધાનો વ્યાપ વધારવા ગોત્રી ખાતે જી.એમ. ઈ.આર.એસ.અંતર્ગત શરૂ થનારી 250 બેડની નવી હોસ્પિટલ માટે તબીબી નિષ્ણાતોથી લઈને સ્ટાફ નર્સિસ સુધીની ભરતી કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

ગોત્રીની જનરલ હોસ્પિટલમાં નોંધણી કરાવવી પડશે
નવી આરોગ્ય સુવિધા માટે કરારના આધારે 10 સ્પેશિયાલિસ્ટ /પલ્મોનોલોજિસ્ટ, 05 સ્પેશિયલ એનેસ્થેટિસ્ટ, મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એમને માસિક ફિક્સ વેતન આપવામાં આવશે. નિવૃત્ત તબીબોને પણ ભરતીમાં તક મળશે. જ્યારે આ કોરોનાની સારવારમાં જોડાવા માંગતી વ્યક્તિઓને 27મી માર્ચના રોજ ગોત્રી જનરલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલી તબીબી અધિક્ષકની કચેરીનો સવારના 9થી 11 દરમિયાન સંપર્ક કરી નોંધણી કરાવી લેવાની રહેશે. ગોત્રી હોસ્પિટલમાં 15 વેન્ટિલેટર્સ ધીરજ હોસ્પિટલમાંથી મોકલવામાં આવી રહ્યાં છે.

ડાયાલિસિસ મશીનો અમદાવાદ કિડની હોસ્પિટલમાંથી લવાયાં 
વડોદરા. ગોત્રીની જીએમઇઆરએસ હોસ્પિટલમાં કોરોનાનો દર્દીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેને વેન્ટિલેટર અને ડાયાલિસિસ મશીનની જરૂર હોઇ અમદાવાદની કિડની હોસ્પિટલમાંથી આ મશીનો લાવવામાં આવ્યાં હોવાનું  આરોગ્ય વિભાગના એક ઉચ્ચ સૂત્રે જણાવ્યું હતું. આ ઉપરાંત ટૂંક સમયમાં જ બીજા મશીનો ફીટ કરવામાં આવી રહ્યાં છે. આ માટે પીઆઇયુના ઇલેક્ટ્રિક વિભાગ અને સિવિલ વિભાગની મદદ લેવામાં આવી રહી છે.

SSGમાં કોરોનાની સારવાર માટે નવો વોર્ડ તૈયાર કરાયો
કોરોના સામેની જંગમાં એસએસજીમાં આજે નવો એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.12માં કેટલાક રૂમો ખાલી કરીને ત્યાં નવો કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કામાં અહીં 30 બેડ ગોઠવીને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *