SSGમાં મેટરનિટી-ચાઇલ્ડ હોસ્પિટલ બનશે, રૂપિયા 180 કરોડ ખર્ચ 600 બેડ ક્ષમતા

General
 • વડોદરાને સરકારી બજેટની ‘ભેટ’, 10 વર્ષમાં બાળકોના જન્મ બમણા થતાં હવે SSGની ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો
 • હાલોલમાં દેશની પહેલી ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, રાજપીપળામાં મેડિકલ કોલેજ બનશે

આગામી સમયમાં એસએસજી હોસ્પિટલના પરિસરમાં રૂ. 180 કરોડના ખર્ચે 600 બેડની એક વિશાળ હોસ્પિટલની ઇમારત બાંધવામાં આવશે. આ ઇમારત 6 માળ સુધીની હશે. એસએસજી હોસ્પિટલના સત્તાધીશોએ એક મહિના અગાઉ જ નવી હોસ્પિટલની માગણીની ફાઇલ મૂકી હતી જે સરકારમાં મંજૂર થઇ ગઇ હતી. પ્રાથમિક તબક્કે રૂ.50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ નવી હોસ્પિટલ હાલમાં એક્સિસ બેંકની પાછળની વિશાળ જગ્યામાં બનશે. આ જમીન લગભગ 66 હજાર ચોરસમીટર જેટલી છે. હાલમાં આ જગ્યાએ બાયોમેડિકલ વેસ્ટનો સ્ટોર છે અને મોટો ઉકરડો ફેલાયેલો છે.

4000માંથી 8000 પ્રસૂતિઓ થઈ
આ વિશે માહિતી આપતાં એસએસજીના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, ‘ આજથી આઠેક વર્ષ પહેલા એસએસજીમાં વર્ષની 4000 પ્રસુતિઓ થતી હતી જે વધીને 8,000 જેટલી થઇ ગઇ છે પણ રૂકમણિ ચૈનાની સિવાય કોઇ નવી સુવિધા ઉપલબ્ધ થઇ શકી નથી. તેથી એક મહિના પહેલા જ નવી હોસ્પિટલ ઇમારતની ફાઇલ સરકારમાં મૂકી હતી, જેના અંગે હકારાત્મક નિર્ણય લેવાયો છે.’ આ નવી બિલ્ડિંગમાં મેટરનિટિ વોર્ડસ, ઓપરેશન થિયેટર્સ, રિકવરી રૂમ, એનઆરસી, એનઆઇસીયુ, પીઆઇસીયુ સહિતની જરૂરી તમામ સુવિધાઓ હશે. એટલું જ નહીં લિફ્ટ, વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને અન્ય જરૂરી સુવિધાઓ હશે. જે બાળકોના વજન પૂરતા પ્રમાણમાં નથી હોતા અથવા કુપોષણથી પિડાઇ રહ્યાં હોય તે બાળકો માટે પણ આ મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલમાં અલાયદો વિભાગ હશે. નવી હોસ્પિટલ કાર્યરત થયા બાદ રૂકમણિ ચૈનાની પ્રસુતિ ગૃહ પણ ચાલુ જ રહેશે. પણ તેના પરથી ભારણ ઘટતા અને નવી હોસ્પિટલ આવતાં સરકારી હોસ્પિટલમાં વધુ ગુણવત્તાસભર સુવિધા માતાઓ અને સંતાનોને આપી શકાશે.

નવી બિલ્ડિંગનું મુખ પશ્ચિમ દિશા તરફ હશે
સયાજીના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરે જણાવ્યું કે, પ્રસ્તાવિત નવી હોસ્પિટલનું મુખ જેલરોડ ભણીનું પશ્ચિમ દિશા તરફનું હશે. એટલે કે, પીએમ રૂમની પાછળના ભાગે તેનું મુખ્યપ્રવેશ દ્વાર હશે. એસએસજી હોસ્પિટલની નવી બિલ્ડિંગોમાં જે પ્રમાણે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ છે તેવું જ પાર્કિંગ અહીં પણ હશે. જેથી ખુલ્લા ભાગમાં નવું પાર્કિંગ કરવાની જરૂરિયાત ઊભી થાય નહીં. આ ઉપરાંત ફાયરફાઇટિંગ સુવિધાથી પણ સજ્જ હશે.

એઇમ્સ તો ગઈ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 300 કરોડમાં પણ ઠેંગો
પાંચ વર્ષ પહેલા જ્યારે એઇમ્સ માટે વડોદરા અને રાજકોટ બેમાંથી કયા શહેરની પસંદગી થશે તે માટેની ચડસાચડસી હતી. પણ છેવટે એઇમ્સ રાજકોટના ફાળે ગઇ હતી. ત્યારે વડોદરામાંથી નારાજગી જાહેર કરવામાં આવતાં નિરાશ ન કરવા માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ વડોદરામાં કરવામાં આવશે અને આ માટે સરકાર રૂ.300 કરોડની ફાળવણી કરશે તેવી લોલિપોપ આપવામાં આવી હતી. પણ હવે જ્યારે આ બજેટમાં પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કે રૂ.300 કરોડની જોગવાઇની કોઇ જાહેરાત થઇ નથી. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું ત્યારે પણ વિશ્વામિત્રીના નવસર્જન માટે સરકાર વિચારી રહી છે તેવી જાહેરાત કરાઇ હતી પણ વિશ્વામિત્રી નદી માટે કોઇ સ્પેસિફિક જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી નથી. જોકે વડોદરા શહેર અને મધ્ય ગુજરાત માટે આ બજેટમાં કેટલીક નોંધપાત્ર જાહેરાત કરાઇ છે.

પ્રથમ વર્ષે 50 કરોડ ફાળવવામાં આવશે
આજે ગુજરાત સરકારના રજૂ થયેલા બજેટમાં 600 બેડની મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવા માટે રૂપિયા 180 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રૂપિયા 50 કરોડ પ્રથમ વર્ષે ફાળવવામાં આવનાર છે. ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છે.
મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ ICU, NICU અને PICUથી સજ્જ હશે
સુપ્રિટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વરે વધુમાં જણાવ્યું હતું કે, મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ એક્સીસ બેંકની પાછળની ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવશે. રૂપિયા 180 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ રહેશે. હોસ્પિટલમાં મેટરનીટી વિભાગ, પિડીયાટ્રીક, સગર્ભા મહિલાઓ માટે આઇ.સી.યુ., બાળકો માટે એન.આઇ.સી.યુ., પી.આઇ.સી.યુ. કુપોષીત બાળકો માટે એન.આર.સી. સહિતના વિભાગો બનાવવામાં આવશે.
ભવિષ્યને ધ્યાનમાં લઇને મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલની જરૂરીયાત હતી
પહેલાં હોસ્પિટલમાં 4000 ડિલીવરી થતી હતી. હવે 8000 ડિલીવરી થાય છે. આથી ભવિષ્યને ધ્યાનમાં લઇ મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલની તાતી જરૂરીયાત હતી. અમો દ્વારા સરકારમાં મેટરનીટી હોસ્પિટલ બનાવવા માટે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને સરકારે ધ્યાનમાં લઇ રૂપિયા 180 કરોડ મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ માટે મંજૂર કર્યાં છે.

વડોદરાને બજેટમાં બીજું શું મળ્યું?

 1. રિયૂઝ ઓફ ટ્રિટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત વડોદરા અને જામનગર, ગાંધીનગર અને ભાવનગરમાં વ્યાપ વધારવા માટે રૂ.100 કરોડની જોગવાઇ કરાઇ છે
 2. વડોદરામાં હાલ 23 લાખની વસ્તીમાં 34 અર્બન હેલ્થ સેન્ટર છે. સરકારે દર 10 હજારની વસ્તી દીઠ એક અર્બન હેલ્થ સેન્ટરનો નિર્ધાર કર્યો છે. વડોદરાની વસ્તી મુજબ 230 અર્બન હેલ્થ સેન્ટર હોવા જોઇએ. એટલે 194 જેટલા હેલ્થ સેન્ટર ઉમેરાય તેવી શક્યતા.
 3. વડોદરા ઉપરાંત ત્રણ જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મીની આંગણવાડી શરૂ કરાશે.
 4. વડોદરા સહિતના ચાર શહેરના 1.20 લાખ બાંધકામ શ્રમિકો માટે કડિયાનાકાથી કામના સ્થળ સુધીના મુસાફરી કરવા સિટી બસના ખર્ચની સહાય પેટે રૂ.50 કરોડની જોગવાઇ કરવામાં આવી.
 5. કરુણા એમ્બ્યુલન્સ 1962 સેવાઓ માટે વડોદરા સહિતના 6 શહેરોને રૂ.13 કરોડની જોગવાઇ કરાશે.

મધ્ય ગુજરાતને બજેટમાં શું મળ્યું?

 1. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સત્તામંડળની સ્થાપના થઈ છે . અહીં જંગલ સફારી , વિશ્વ વન , આરોગ્ય વન , એકતા નર્સરી , કેક્ટસ ગાર્ડન , વેલી ઓફ ફ્લાવર્સ , ન્યુટ્રીશન પાર્ક , ઓકીડેરિયમ , ક્રોકોડાઇલ સેન્ટર વગેરેનું કાર્ય હાથ ધરાયું છે . ઉપરાંત , મહિલા સ્વસહાય જૂથો મારફતે હર્બલ સાબુ બનાવવા, રોપાઓની જાળવણી જેવા રોજગારલક્ષી આયોજન કરાયું છે . આમ , આ પ્રવાસન સ્થળના વિકાસ માટે કુલ રૂ.૩૮૭ કરોડની જોગવાઈ.
 2. કરજણ જળાશય યોજના 418 કરોડની છે તે માટેની પાઇપલાઇન નાંખવા માટે રૂ. 28 કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે. કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપલાઇનનું કામ સાથે વધારાના 74 તળાવો, 12 નદી-કાંસમાં પાણી આપવા માટે રૂ.223 કરોડનું આયોજન, જેમાંથી રૂ.103 કરોડની જોગવાઇ.
 3. પાનમ આધારિત યોજનાઓ માટે રૂ. 249 કરોડનો ખર્ચનું આયોજન હતું. જેમાંથી રૂ.73 કરોડની જોગવાઇ.
 4. રૂ. 215 કરોડની પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત ઉદવહન સિંચાઇ યોજના માટે રૂ. 57 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 5. પંચમહાલ, દાહોદ અને નર્મદા સહિતના આદિજાતિના અન્ય ત્રણ જિલ્લાઓને આવરીને પાણી પુરવઠાના કામો માટે રૂ. 850 કરોડની જોગવાઇ કરવામાં આવશે.
 6. નર્મદા બંધના આનુષંગિક કામો પુન:વસન, પર્યાવરણ કામગીરી, ગરૂડેશ્વર વિયર, ગોરા બ્રિજના બાંધકામ, નહેરો અને પાવર હાઉસની જા‌ળવણીના કામો કરાશે.
 7. નર્મદા બંધથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ વધારાના પાણીને કચ્છ સુધી પહોંચાડવાની કામગીરી માટે રૂ. 1084 કરોડની જોગવાઇ કરવામાં આવી
 8. નર્મદા યોજના નહેર માળખાગત કામો મિયાંગામ, વડોદરા સહિતના 18 સ્થળોએ નાના વીજ મથકો માટે રૂ.90 કરોડની જોગવાઇ કરવામાં આવી
 9. જમીનની ખારાશ અટકાવવા માટે ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા ભાડભૂત બેરેજની કામગીરી શરૂ કરવા અને કલ્પસર યોજનાના અભ્યાસ પૂર્વ કરવા રૂ. 400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 10. દેશની સૌ પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટી હાલોલમાં શરૂ થશે. આ માટે 12 કરોડની ફાળવણી કરાઈ.
 11. રાજપિપળા સહિતના નવસારી, પોરબંદર ખાતે 3 નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે, ડેડિયાપાડામાં સાયન્સ કોલેજ શરૂ કરાશે.
 12. રાજપિપળામાં બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ. 20 કરોડની ફાળવણીની જાહેરાત કરાઇ.
 13. બોડેલી અને ગરબાડામાં બોઇઝ હોસ્ટેલ અને કડાણામાં બોઇસ અને ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરાશે.
 14. ડભોઇ, છોટાઉદેપુર સહિતના સાત સરકારી કુમાર છાત્રાલય અને વડોદરા અને અન્ય 4 શહેરોના સરકારી કન્યા છાત્રાલયોના બાંધકામ અને મરામત પાછળ રૂ. 41 કરોડની જોગવાઇ .
 15. શુક્લતીર્થ, કબીર વડથી માંડીને મંગલેશ્વર-અંગારેશ્વર મેગા સર્કિટના વિકાસ માટે રૂ.23 કરોડની ફાળવણી ભારત સરકારે કરી છે, આ રકમમાં રાજ્ય સરકાર રૂ.25 કરોડ ઉમેરશે.
 16. બાગાયતી પાકોનું નુકસાન અટકાવવા પ્રાયોગિક ધોરણે છોટાઉદેપુરમાં એફઓપી આધારિત માળખાકીય સુવિધા અને ઇ-નામ સાથે સાંકળેીને બાગાયતી ઉત્પાદન વધારવા અને તેને આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસીત કરવા રૂ. 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 17. હાલોલ સહિતના 7 સીએચસીને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા માટે રૂ.21 કરોડની જોગવાઇ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *