પોલીસને મળેલી 25 યુવાનોની યાદી પૈકી એકપણ યુવાન દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયો ન હોવાનું ખુલ્યું

COVID-19
  • ડભોઇનો યુવાન દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયો હોવાની MLAને ખબર પડી, CPને જાણ કરતા તંત્ર દોડતુ થયું
  • તમામ યુવાનો ધંધાર્થે દિલ્હી સહિત અન્ય શહેરોમાં ગયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું 

વડોદરા જિલ્લામાંથી દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ડભોઇનો એક યુવાન ગયો હતો. આ યુવાન પરત ફરતા ડભોઇના ધારાસભ્યને જાણ થતાં તેઓએ ડભોઇ પોલીસ અને વડોદરા પોલીસ કમિશનરને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ તંત્ર એલર્ટ થયું હતું. જોકે, વડોદરા જિલ્લા પોલીસને મળેલી 25 યુવાનોની યાદીમાંથી એક પણ યુવાન દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયા ન હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. 
ડભોઇના યુવાનને લેવા માટે તેના મિત્રો વડોદરા પહોંચ્યા
ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ(સોટ્ટા) જણાવ્યું હતું કે, બોડેલી રોડ ઉપર તબ્લિક જમાતનું સેન્ટર આવેલું છે. જ્યાં લોકો આવન-જાવન કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેથી બે દિવસ પહેલા જ મેં ડભોઇ પોલીસને ધ્યાન રાખવા માટે સૂચના આપી હતી. દરમિયાન મંગળવારે સાંજે 7:30 વાગ્યે ડભોઇથી મને ફોન આવ્યો હતો. મને જણાવ્યું કે, દિલ્હીના તબ્લિક જમાતનાના કાર્યક્રમમાં ડભોઇનો સલમાન મનસુરી ભાગ લઇને આવી રહ્યો છે. અને તે વડોદરા નજીક દરજીપુરા પાસે ટ્રકમાં ઉતર્યો છે. અને તેને લેવા માટે ડભોઇના તેના બે મિત્રો ગયા છે.
ત્રણેય યુવાનોને સ્થળ ઉપર જ સેનેટાઈઝ કરાયા
આ મેસેજ મળતા તુરંત જ મે ડભોઇ પોલીસને જાણ કરી હતી. તુરંત જ ડભોઇ પોલીસે વેગા ચોકડી પાસે વોચ ગોઠવીને દિલ્હીથી આવેલા સલમાન મનસુરી અને તેણે લેવા માટે ગયેલા બે મિત્રોને ઝડપી લીધા હતા. અને સ્થળ પર જ તેઓને સેનેટાઇઝ કર્યા હતા. ડભોઇ પોલીસે સલમાનની પૂછપરછ કરતા તેણે વડોદરા મચ્છીપીઠના પાંચ યુવાનો પણ દિલ્હીની કોન્ફરન્સમાં આવ્યા હોવાની માહિતી આપી હતી. આ અંગેની જાણ મને થતાં રાત્રે 10:30 કલાકે મેં વડોદરા પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોતને માહિતી આપી હતી. 
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પાંડુ પંથકના 14 યુવાનો છે
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, મારી પાસે વડોદરા જિલ્લામાંથી 25 જેટલા યુવાનો દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની મસ્જીદમાં ઇસ્લામિક કોન્ફરન્સમાં ગયા હોવાની યાદી આવી છે. જેમાં સૌથી વધુ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પાંડુ પંથકના 14 યુવાનો છે. આ ઉપરાંત કરજણ, પાદરા, વડોદરા સહિતના યુવાનોનો સમાવેશ થાય છે. 
યુવાન હરીયાણા ખાતે જમાતમાં 40 દિવસથી ગયો હતો
ડભોઇના પી.આઇ. જે.એમ. વાઘેલાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે વેગા ચોકડી ખાતેથી ઝડપાયેલો સલમાન ઐયુબભાઇ મનસુરી દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયો ન હતો. પરંતુ તે હરીયાણા ખાતે જમાતમાં 40 દિવસથી ગયો હતો. અને તે મંગળવારે મોડી રાત્રે પરત ફર્યો હતો.
તમામ યુવાનો ધંધાર્થે દિલ્હી સહિત અન્ય શહેરોમાં ગયા હતા 
વડોદરા જિલ્લા એલસીબીના પી.આઇ. ડી.બી. વાળાએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ પાસે દિલ્હીથી 25 યુવાનો આવ્યા હોવાની યાદી આવી હતી. જે અંગે તપાસ કરતા એકપણ યુવાન દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયા ન હોવાનું બહાર આવ્યું છે. આ તમામ યુવાનો ધંધાર્થે દિલ્હી સહિત અન્ય શહેરોમાં ગયા હોવાનું તેઓની તપાસમાં બહાર આવ્યું છે.
દિલ્હીથી આવેલા લોકોનું અમારી પાસે 29 વ્યક્તિનું લિસ્ટ આવ્યું છે
જોકે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિક્ષક ડો. ઉદય તીલાવતે જણાવ્યું હતું કે, દિલ્હીથી આવેલા લોકોનું અમારી પાસે 29 વ્યક્તિનું લિસ્ટ આવ્યું છે. તે તમામ 29 લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *