ઓનલાઇન ખરીદીને કારણે માટીકામના વ્યવસાયને 60 ટકાનો ફટકો પડ્યો, કુંભાર પરિવારો ઘરનું ગુજરાન ચલાવી શકતા નથી

Diwali-2019

વડોદરાના કુંભાર પરિવારો દિવાળીના તહેવારમાં દીવડા, ઝુમ્મર અને પોર્ટ જેવી વિવિધ ચીજવસ્તુઓ બનાવીને આખા વર્ષની કમાણી કરે છે. અને વર્ષ દરમિયાન ઘરનું ગુજરાન ચલાવે છે. પરંતુ ઓનલાઇન ખરીદીના વધેલા વ્યવસાયે 20 જેટલા કુંભાર પરિવારોની હાલત પણ કફોડી કરી દીધી છે. અને તેમના વ્યવસાયમાં 60 ટકા સુધીનો ફટકો પડ્યો છે.
માટીકામના વ્યવસાય પર ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું
વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડામાં રહેતા લાલજીભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, માટીમાંથી કોડીયા, ગરબાની માટલી, ઝુમ્મર, પોર્ટ, ફ્લાવર પોર્ટ, ગલ્લા અને ધુપદા સહિતની માટીકામની વસ્તુઓ બનાવવાનો 150 વર્ષ જુનો વ્યવસાય છે. હાલ આ વ્યવસાયમાં હું મારી પત્ની નર્મદાબહેન, પુત્ર મયંક તેમજ પુત્રવધૂ ફાલ્ગુનીબહેન જોડાયેલા છીએ. અમારો આ પરંપરાગત વ્યવસાય મૃતઃપ્રાય થવાના આરે છે. તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. કારણે માત્ર અમારા આ વ્યવસાય ઉપર ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે.
અમારા વ્યવસાયમાં 50થી 60 ટકા અસર પડી છે
આ વ્યવસાય ઉપર અસર થવાનું કારણ આપતા લાલજીભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધી ગયો છે. દીવડા જેવી ચીજવસ્તુઓ પણ લોકો ઓનલાઇન મંગાવી રહ્યા છે. લોકો દીવાળીના નજીકના દિવસોમાં બજારમાં ભીડ હોવાથી તેમજ ઓનલાઇન શોપિંગ દ્વારા ઘરબેઠા અને ઓછા ભાવમાં વસ્તુ મળે છે. જેના કારણે અમારા વ્યવસાયમાં 50થી 60 ટકા અસર પડી છે. પહેલાં અમે આખા વર્ષની કમાણી દિવાળીમાં કરી લેતા હતા. પરંતુ, હવે દીવાળીમાં થતાં વ્યવસાયમાં આખું વર્ષ ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
ગાયકવાડી સમયમાં 9 કુંભારવાડા હતા, હવે માત્ર એક જ કુંભારવાડો બચ્યો છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાયકવાડી સમયમાં વડોદરામાં 9 કુંભારવાડા હતા. હવે ફતેપુરામાં માત્ર એક જ કુંભારવાડો બચ્યો છે. અને તેમાં 20 જેટલા પરિવારો કામ કરી રહ્યા છે. કદાચ આવનારા દિવસોમાં માત્ર કુંભારવાડા નામ જ રહેશે. પરંતુ, કુંભારવાડામાં કામ કરનાર કોઇ રહેશે નહીં. વ્યવસાય ઉપર થઇ રહેલી અસરના કારણે ઘરનું ગુજરાન ચલાવવા અને બાળકોના અભ્યાસ માટે નોકરી કરવાની ફરજ પડી છે.
માટીના ભાવમાં દર વર્ષે 10થી 15 ટકાનો વધારો થાય છે
માટીમાંથી ચીજવસ્તુઓ બનાવવાનું મટીરીયલ પણ હવે મોંઘું થઇ ગયું છે. રાજકોટ જિલ્લાના થાનગઢથી માટી મંગાવવી પડે છે. જેમાં પ્રતિ વર્ષ 10થી 15 ટકાનો વધારો થાય છે. આ વખતે 4 હજાર રૂપિયામાં એક ટન માટી આવી છે. તદ્ઉપરાંત આ વર્ષે જુલાઇથી ઓક્ટોબર-19ના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ રહ્યો હોવાના કારણે ભારે નુકસાન થયું છે. અમારા ઘરની ભઠ્ઠીને વરસાદના પાણીમાં નુકશાન થયું હતું. ભઠ્ઠી સળગાવવા માટે મંગાવેલા લાકડાનો વેર પણ ખરાબ થઇ ગયો હતો. જેથી આ વખતે કુદરતનો પણ માર પડ્યો છે.
ગુજરાત માટીકામ આયોગ તરફથી કોઇ સહાય મળતી નથી
લાલજીભાઇ અને કુંભારવાડાના બીજા કારીગર વિપુલભાઇ પ્રજાપતિએ આક્ષેપ કરતા જણાવ્યું કે, પ્રજાપતિ સમાજના અગ્રણી અને ગુજરાત માટીકામ આયોગના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિ હોવા છતાં કોઇ મદદ મળતી નથી. અગાઉ ફોર્મ ભરાવી ગયા હતા. પરંતુ, હજુ સુધી કોઇ મદદ મળી નથી.
35 હજારનું મશીન સબસીડીથી લેવા માટે હેરાન ખુબ થયો
સરકાર તરફથી કોઇ સાધન-સહાય મળે છે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં લાલજીભાઇના પુત્ર મયંકભાઇએ જણાવ્યું કે, 6 વર્ષ પહેલાં અમને ખબર પડી કે, સરકાર દ્વારા સબસીડીથી માટી પીલવાનું મશીન આપે છે. જેથી મે ફોમ ભર્યું હતું. પરંતુ, આ મશીન મને ત્રણ વર્ષ પછી મળ્યું હતું. નવાઇની વાત તો એ હતી કે, મે વડોદરાથી ફોર્મ ભર્યું હતું. વર્ષ સુધી કોઇ જવાબ ન આવતા હું તપાસ કરવા માટે ગાંધીનગર ગુજરાત શ્રમ કુટીર ઉદ્યોગમાં તપાસ માટે ગયો હતો. જ્યાં મારું ફોર્મ મને વડોદરાના બંચમાંથી મળ્યું ન હતું. તે ફોર્મ મને કચ્છના બન્ચમાંથી મળ્યું હતું. રૂપિયા 35 હજારની કિંમતનું મશીન સબસીડીથી લેવા માટે હેરાન થઇ ગયો હતો.
અમારી પાસે કોઇ સહાય કે મદદ માટે ફોર્મ ભરાયા નથી
પ્રજાપતિ સમાજના અગ્રણી અને માટીકામ આયોગના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિએ કુંભારવાડાના માટીકામના કલાકારોએ કરેલા આક્ષેપ અંગે જણાવ્યું કે, કુંભારવાડાના કારીગરોને જે આક્ષેપ કરવા હોય તે કરે, કોઇ સહાય મળશે નહીં. સહાય જોઇતી હોય તો અમારી પાસે આવવું પડે. અને તેઓએ અમારી પાસે કોઇ સહાય કે મદદ માટે ફોર્મ ભર્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *