શનિવારે રાત્રે જૂની અદાવતમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરો થયો હતોપથ્થરમારાની ઘટના બાદ પોલીસે રાધે નામના યુવાનની અટકાયત કરી હતીરાધે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલો ન હોવા છતાં માર માર્યાના પરિવારે આક્ષેપો કર્યાં
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ડભોઇયા પોલીસ ચોકી સામે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં શનિવારે રાત્રે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ નવાપુરા પોલીસે નિર્દોષ યુવાનને પકડીને થર્ડ ડિગ્રી અપનાવીને માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. રાધે નામના યુવાને પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નવાપુરા પોલીસ મથકે લઇ જઇને પોલીસે છાતીના ભાગે ફેટો મારીને મારા આખા શરીર પર કરંટ આપ્યો હતો અને આટલાથી ના અટક્યું તો વળી મારા કપડા કાઢી નાખીને બે પોલીસ કર્મીઓ મારી ઉપર ચઢી જઈ અને મારી પેશાબની જગ્યા પર કરંટ આપ્યો હતો. આ બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી કનુભાઇએ જણાવ્યું હતું કે, પોલીસ સામેના આ આક્ષેપો ખોટા છે, રાધે નામના યુવાને જ એવુ નિવેદન આપ્યું છે કે, મને પોલીસ પકડી ગઇ નથી અને મને કોઇ કરંટ આપ્યો નથી.
ડભોઇયા પોલીસ ચોકી સામે થયેલા પથ્થરમારા બાદ પોલીસે 8 તોફાનીઓની અટકાયત કરી હતી
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ડભોઇયા પોલીસ ચોકી સામે થયેલા પથ્થરમારા બાદ નવાપુરા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને બળપ્રયોગ કરીને ટોળા વિખેર્યા હતા અને 8 તોફાનીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસ રવિવારે બરાનપુરા વિસ્તારમાંથી રાધે નામના યુવાનને પકડીને લઇ ગઇ હતી. અને તેના ઉપર પોલીસે થર્ડ ડીગ્રી અપનાવીને માર માર્યો હોવાના આક્ષેપ યુવાને સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કર્યાં હતા.
યુવાને કહ્યું કે, નવાપુરા પોલીસ મથકે લઈ જઈને મને છાતીના ભાગે ફેટો મારી આખા શરીર પર કરંટ આપ્યો
સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવલા રાધે નામના યુવાને જણાવ્યું હતું કે, ડભોઇયા પોલીસ ચોકી સામે પથ્થરમારો થયો હતો, જેમાં હું સામેલ ન હતો, તેમ છતાં નવાપુરા પોલીસ મથકના પોલીસકર્મી લાલભાઇ, પીએસઆઇ અને બીજા પોલીસકર્મીઓ મારા મામાની ઘર નજીકથી મને ઊંચકીને ગઈ હતી અને કારમાં બેસાડી મારા વાળ પકડી લાલભાઈએ ફેટ મારી અને છાતીના ભાગે માર માર્યો હતો. અને કહ્યું હતું કે, તારો ભાઇ ક્યાં છે, મને નથી ખબર તેમ કહેતા મને મારા ફોઈને ત્યાં લઇ જઇને ફરીથી મને બે ઝાપટ મારી હતી અને નવાપુરા પોલીસ મથકે લઇ જઇને છાતીના ભાગે ફેટો મારીને આખા શરીર પર મને કરંટ આપ્યો હતો અને આટલાથી ના અટક્યું તો વળી મારા કપડા કાઢી નાખીને બે પોલીસકર્મીઓ મારી ઉપર ચઢી ગયા હતા અને મારી પેશાબની જગ્યા પર કરંટ આપ્યો હતો.
યુવાનની બહેને કહ્યું કે, 12 વર્ષના છોકરાને પણ પોલીસ પકડીને લઈ ગઈ છે, તેને હજી સુધી છોડ્યો નથી
રાધેની બહેન રેણુકાબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ પથ્થરમારાના બનાવમાં નહોતા તેવા નિર્દોષ છોકરાઓને પોલીસ પકડીને લઈ ગઈ છે અને જે સંડોવાયેલા છે તેમને કોરોના કહીને હોસ્પિટલમાં ભરતી કરી દીધા છે, એક 12 વર્ષના છોકરાને પોલીસ પકડીને લઈ ગઈ છે, તેને પણ હજી સુધી છોડ્યો નથી અને રાધેને નવાપુરા પોલીસ મથકના લાલભાઈ અને અશોકભાઈએ તેના કપડાં કાઢી નાખી કરંટ આપી માર માર્યો હોવાના આક્ષેપ કર્યાં હતા. પોલીસની નિર્દોષ યુવાન પર કરવામાં આવેલી થર્ડ ડિગ્રીની કાર્યવાહીને લઇને નવાપુરા પોલીસ વિવાદમાં આવી ગઇ હતી.
Source : www.divyabhaskar.co.in