‘બેટા મારું મોત આવી ગયું છે, શ્વાસ લેવાતો નથી, મને ઝેર અપાવી દે’: મૃત્યુ પહેલા કોરોનાગ્રસ્ત પિતાની પુત્ર સાથેની ઓડિયો ક્લિપ વાઈરલ

COVID-19
  • વડોદરાના દંતેશ્વર વિસ્તાર 68 વર્ષીય વૃદ્ધનું કોરોના વાઈરસની સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત
  • સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા તબીબોની નિષ્કાળજીથી પિતાનું મૃત્યુ થયું હોવાનો પુત્રનો આક્ષેપ
  • વૃદ્ધના મોત અને ઓડિયો ક્લિપ અંગે OSD વિનોદ રાવે તપાસના આદેશ આપ્યા

‘બેટા મને લાગે છે કે, હવે મારું મોત આવી ગયું છે, હવે નથી રહેવાતુ, બેટા હવે સહન થતું નથી, મને ઝેર અપાવી દે’…આ શબ્દો વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન મોતને ભેટેલા વડોદરાના અસલાજી મારવાડીના છે. કરૂણતાની પરાકાષ્ઠા એ હતી કે, પિતા હોસ્પિટલના બિછાને મોત સામે ઝઝૂમી રહ્યા હતા અને પુત્ર પાસે ફોન ઉપર મોત માંગી રહ્યા હતા. પિતાને કોરોના વાઈરસ હોવાથી પુત્ર પોતાના પિતાને મદદ કરવા જવા માટે લાચાર હતો. મોત પહેલા પિતાએ પુત્ર સાથે મોબાઇલ ફોન ઉપર કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ થઇ છે.

તબીબોની નિષ્કાળજીથી પિતાનું મોત થયું હોવાનો પુત્રનો આક્ષેપ
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતા અસલાજી મારવાડી(ઉં.68)ને કોરોના વાઈરસની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મોતને ભેટેલા અસલાજી મારવાડીના પુત્ર મહેશભાઇ મારવાડીએ આક્ષેપ કર્યો છે કે, પિતાનું મોત ઓક્સિજન ન મળતા તબીબોની નિષ્કાળજીના કારણે થયું છે.

મૃતકના પુત્ર કહે છે કે, ડોક્ટર્સે ઓક્સિજન માસ્ક પહેરાવ્યું, પરંતુ માસ્કમાંથી ઓક્સિજન પુરતો મળતો ન હતો
મહેશભાઇ મારવાડીએ જણાવ્યું હતું કે, મારા પિતાને કોરોના વાઈરસ થયો હતો, પરંતુ, તેમની તબીયત સારી હતી. 14 જુલાઇના રોજ તેઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 16 જુલાઇના રોજ તેમની તબીયત અચાનક બગડી હતી. એમને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ હતી. ડોક્ટર્સે તેઓને ઓક્સિજન માસ્ક પહેરાવી દીધું હતું. પરંતુ, માસ્કમાંથી ઓક્સિજન પુરતો મળતો ન હતો. ઓક્સિજન પુરતો મળ્યો ન હોવાથી મારા પિતાનું મોત નીપજ્યું છે.

પિતા-પુત્ર વચ્ચે મોબાઇલ ફોન ઉપર થયેલી વાતચીતનો વાઈરલ થયેલા ઓડિયોના અંશો…
પિતા-બેટા, ગભરામણ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
પુત્ર-ડોક્ટરને કહો…
પિતા-ડોક્ટરોને કહીને થાકી ગયો છું. અહીંયા કોઇ આવતા જ નથી.
પુત્ર- ટોટી આપી છે શ્વાસ લેવા માટે ?
પિતા-માસ્ક આપ્યું છે, પરંતુ, શ્વાસ લેવાતો નથી.
પુત્ર- તમે હિંમત રાખો, હું કંઇક કરું છું.
પિતા-બેટા મારું મોત આવી ગયું છે, તેવું લાગી રહ્યું છે.
પુત્ર-બધું સારું થઇ જશે. હિંમત રાખો.
પિતા-બેટા હવે સહન થતું નથી..મને ઝેર અપાવી દે.
પુત્ર- તમે ચિંતા ન કરો.. હું કંઇ કરું છું.

પિતા સાથે ફોન પર વાતચીત કરતી વખતે પુત્ર ચોંધાર આંસુએ રડ્યો
યોગ્ય સારવારના અભાવે અસલાજી મારવાડીનું મોત નીપજતાં પરિવારજનોએ વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો છે. જેમાં ખાસ કરીને મહેશભાઇ પોતાના પિતા સાથે ફોન ઉપર થતી વાતનો ઓડિયો સાંભળીને ચોંધાર આંસુએ રડી રહ્યા છે. મહેશભાઇ કહે છે કે, આજે મારા પિતાનું મોત નીપજ્યું છે. કાલે કોઇ બીજા વ્યક્તિનું મોત નીપજશે. મારી એક જ ઇચ્છા છે કે, સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા તમામ દર્દીઓને સારી સારવાર મળે અને મારા પિતાના મોત માટે જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

OSD વિનોદ રાવે તપાસના આદેશ આપ્યા
આ બનાવ અંગે OSD ડો. વિનોદ રાવે તપાસના આદેશ આપ્યા છે અને આ તપાસ એડમિનિસ્ટ્રેટીવ ડો. મીનુ પટેલને સોંપવામાં આવી છે. ડો. વિનોદ રાવે ઝીણવટ ભરીને તપાસ કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે.

Source : https://www.divyabhaskar.co.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *