રેલવે સ્ટેશન પાસેથી મળેલા કિશોરના મૃતદેહની ઓળખ થઇ, માતાએ કહ્યુઃ ‘મારા દીકરાની હત્યા થઇ છે’

COVID-19

દીકરા હત્યારોને કડક સજા આપવામાં આવે તેવી માતાની માંગ કરી

છૂટક મજૂરી કામ કરીને રેલવે સ્ટેશન ઉપર રાત પસાર કરતા પરિવારના 10 વર્ષના કિશોરનો વડોદરા રેલવે પોલીસ મથકની બાજુમાં બની રહેલા બિલ્ડીંગના બંધ રૂમમાંથી કિશોરનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન આજે કિશોરના પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અને મરનાર અરમાન શેખ હોવાનું પોલીસને જણાવ્યું હતું અને દીકરા અરમાન ઉપર અજાણ્યા વ્યક્તિઓએ જ્વલનશિલ પ્રવાહી નાખીને સળગાવી દઇને હત્યા કરી હોવાનો માતાએ આક્ષેપ કર્યો છે.
પરિવારે સયાજી હોસ્પિટલમાં મૃતક કિશોરની ઓળખ કરી
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-6 પાસે નિર્માણાધિન બિલ્ડીંગના બંધ રૂમમાંથી મંગળવારે 10 વર્ષના અરમાનનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન ગુમ દીકરાની શોધખોળ કરી રહેલો પરિવાર આજે પોલીસ સાથે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે આવી પહોંચ્યો હતો. અને મૃતક કિશોરની ઓળખ કરી હતી.
દીકરાના હત્યારોને કડક સજા આપે તેવી માતાની માંગ
મૃતક અરમાનની માતા શહેનાઝબાનુએ જણાવ્યું હતું કે, મારા દીકરાને કોઇએ સળગાવી દઇ હત્યા કરી છે. પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ કરીને પુત્રના હત્યારોને કડક સજા આપે તેવી માંગ છે. રેલવે પોલીસે મૃતકની માતાએ પુત્રની હત્યા થઇ હોવાના કરેલા આક્ષેપોને ગંભીરતાથી લઇ તપાસ શરૂ કરી છે. હત્યારાઓ મળ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *