વડોદરામાં વર-કન્યાએ માસ્ક પહેરીને લગ્ન કર્યાં, વરરાજાની બહેન અમેરિકા હોવાથી લગ્નમાં ન આવી શકી

COVID-19

લગ્નમાં આવેલા તમામ લોકોએ માસ્ક પહેર્યા, સેનેટાઇઝરથી હાથ ધોયા

 કોરોના વાઈરસના હાહાકારને પગલે લગ્નોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી મનસ્વી સોસાયટીમાં વર અને કન્યાએ માસ્ક પહેરીને લગ્ન કર્યાં હતા. લગ્નમાં આવેલા તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા. આ ઉપરાંત જાનૈયાઓ માટે ખાસ સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જાનૈયાઓ માટે માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઇ
કોરોના વાઈરસને કારણે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી મનસ્વી સોસાયટીમાં અમદાવાદથી જાન આવી હતી. અમદાવાદથી આવેલા તમામ જાનૈયાઓને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. અને સેનેટાઇઝરથી હાથ ધોવડાવવામાં આવ્યા હતા. અમદાવાદથી લગ્ન કરવા આવેલા વરરાજા શશાંત જાધવ અને કન્યા નિધી ભરતભાઇ સોનુણેએ પણ માસ્ક પહેરીને લગ્ન કર્યાં હતા.
વરરાજાની બહેન અમેરિકા હોવાથી લગ્નમાં ન આવી શકી
અમદાવાદના વરરાજા શશાંત જાધવની બહેન નિલમ સાવંત લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી થઇ છે. કોરોના વાઈરસને કારણે લગ્નની તારીખ 3 વખત બદલવામાં આવી હતી. પરંતુ બહેન પોતાના ભાઇના લગ્નમાં આવી શકી ન હતી.
કોરોના વાઇરસને પગલે લગ્નમાં ઓછા લોકો આવ્યા
પરિવારના સભ્ય દીપક સોનુણેએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, ત્યારે લગ્ન પ્રસંગમાં ઘણા લોકો ભેગા થયા છે, જેથી સુરક્ષા માટે તમામ લોકો માટે માસ્કની વ્યવસ્થા કરી છે. જેથી કરીને કોઇને ચેપ ન લાગે. જોકે કોરોના વાઈરસને કારણે લગ્નમાં થોડા ઓછા લોકો આવ્યા છે.
સરકારની સૂચનાઓનું પાલન કરવુ જોઇએ
લગ્નમાં આવેલા માધુરીબેને જણાવ્યું હતું કે, આજે હું લગ્નમાં આવી છું અહીં દરેક વ્યક્તિએ માસ્ક પહેરીને લગ્નમાં હાજરી આપી છે, સરકારની સૂચનાઓનું પાલન કરવુ જોઇએ, જેથી કરીને કોરોના વાઈરસ આગળ વધતા અટકાવી શકાય.
બીજા વ્યક્તિ માટે પણ માસ્ક પહેરવુ જરૂરી છે
વરૂણભાઇએ જણાવ્યુ હતું કે, હું અમદાવાદથી લગ્ન પ્રસંગમાં વડોદરા આવ્યો છું. અહીં માસ્કની વ્યવસ્થા કરી છે, જે સારી બાબત છે. અને આપણા અને બીજા વ્યક્તિ માટે માસ્ક પહેરવુ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *