કોરોના વાઈરસથી વડોદરામાં પહેલું મોત, મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી પણ કોરોના પોઝિટિવ છે

COVID-19
  • શ્રીલંકાથી આવ્યા બાદ કોરોના વાઈરસના લક્ષણો દેખાતા સેમ્પલ લેવાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • શ્રીલંકાથી આવેલા દંપતિ બાદ તેમનો ચેપ પુત્ર, પુત્રવધુ અને દીકરીને લાગ્યો હતો

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 9 કેસ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ગોધરાના 78 વર્ષના વૃદ્ધની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

16 માર્ચે કોરોના વાઈરસના લક્ષણો દેખાયા હતા

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19 માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પછી તેમના પરિવારના 4 સભ્યોનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.

વડોદરાના NRIનું અમેરિકામાં કોરોના વાઈરસથી મોત
વડોદરાના ભાયલી ગામના રહેવાસી અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. 10 દિવસ પહેલા છીતુભાઈ પટેલ અને તેમની પત્ની મંજુલાબેન પટેલ કોરોના વાઈરસની મહામારીમાં સપડાયા હતા. બંનેની શિકાગો ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન છીતુભાઈ પટેલનું 31 માર્ચે મોડી રાત્રે કોરોના વાઈરસથી મૃત્યુ થયું હતું. જેના કારણે અમેરિકાના ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી. તો બીજી તરફ છીતુભાઈની પત્ની મંજુલાબેનની હાલત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. 

સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના 30 તબીબો અને નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરાયા

કોરોના આઇસોલેશન વોર્ડમાં કામ કરતા અને પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ તેમને સંક્રમણની અસર થઇ છે કે નહીં અને તેમને વધુ કોઇ અસર ન થાય તે માટે તબીબી અને નર્સિંગ સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલના 15-15 કુલ 30 તબીબો અને નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. ગોત્રી હોસ્પિટલના ક્વોરન્ટાઇન સ્ટાફને ખાલી કરવામાં આવેલી ઇન્ટર્ન હોસ્ટેલ ક્વાટર્સ ખાતે ઊભી કરવામાં આવેલી વિશેષ ક્વોરન્ટીન વ્યવસ્થામાં અને સયાજી હોસ્પિટલના ક્વોરેન્ટાઇન સ્ટાફને નર્સિંગ હોસ્ટેલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

સ્વેબ નમૂના લેબમાં મોકલવામાં આવ્યા
કેટલાક દિવસ પહેલા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સેવા બજાવતા તબીબની તબિયત લથડ્યા બાદ દાખલ કરાયા હતા અને તેમનો નમૂનો નેગેટિવ આવ્યો હતો. હવે ગોત્રી હોસ્પિટલમાં એક ટેક્નિશિયનને ખાંસી-શરદીની ફરિયાદ થતાં તેમને ક્વોરન્ટીન કરાયા છે એટલું જ નહીં તેમના સ્વેબ નમૂના લઇને સયાજી હોસ્પિટલ ખાતેની લેબમાં મોકલવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *