ગોધરાકાંડના કેદીએ જેલમાં સંતાડેલા 5 મોબાઇલ મળ્યા

Crime
  • સલીમ જર્દા સહિત 3 કેદી ઉપયોગ કરતા હતા
  • ત્રણે કેદી સામે રાવપુરા પોલીસમાં ફરિયાદ

શહેરની સેન્ટ્રલ જેલમાં બેરેકનાં નળિયાંની નીચે છુપાવી રાખેલ 5 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ફોનનો ઉપયોગ ગોધરા કાંડનો આરોપી સલીમ જર્દા તથા અન્ય 2 પાકા કામના આરોપી કરતા હોવાનું તપાસમાં બહાર આવતાં ત્રણેય કેદીઓ સામે રાવપુરા પોલીસમાં ગુનો નોંધાયો હતો.

2 મોબાઇલ તથા 2 એસેમ્બલ ચાર્જર મળ્યાં
સેન્ટ્રલ જેલની ઝડતી સ્ક્વોડે સોમવારે સવારના સમયે બાતમીના આધારે યાર્ડ નંબર 11ની બેરેક નંબર 4 પાછળ ઉપરના ભાગનાં નળિયાંની નીચે તપાસ કરતાં 1 મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત યાર્ડ નંબર 11ની બેરેક નંબર 3ની બારી નંબર 1ના ઉપરના ભાગે નળિયાં નીચે પણ છુપાવીને રાખેલા 2 મોબાઇલ તથા યાર્ડ નંબર 11 બેરેક નંબર 3ની બારી નંબર 4ના ઉપરના ભાગે નળિયાંની નીચે છુપાવી રાખેલ 2 મોબાઇલ તથા 2 એસેમ્બલ ચાર્જર અને 1 બેટરી મળી આવી હતી.

કોલ ડિટેઇલ્સ ચકાસવામાં આવશે
આ મોબાઇલ ફોનનો કોણ ઉપયોગ કરે છે તેની ખાનગી રાહે તપાસ કરાતાં તેનો ઉપયોગ ગોધરા કાંડનો પાકા કામનો કેદી સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા, પાકા કામનો કેદી સાજીદ હુસેન ઉમર ફારુક અરબ તથા પાકા કામનો કેદી તોસિફમિયાં યુસુફ મિયાં મલેક કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે રાવપુરા પોલીસમાં ત્રણેય કેદી સામે ગુનો નોંધાયો હતો. પોલીસે ફોનની કોલ ડિટેલના આધારે કોણે વાત કરી હતી તે અંગે પણ તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *