વિદેશમાં વસેલા બરોડિયન્સને વતન સાંભરે, વિવિધ દેશોમાં લોકો કરે છે મુસીબતનો સામનો

COVID-19

પરિસ્થિતિનો ચિતાર આપવા વિદેશમાં રહેતા બરોડિયન્સે ભાસ્કર માટે રિપોર્ટિંગ કર્યું 

વિશ્વભરમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. મોટાભાગના દેશોમાં કામ સિવાય બહાર નીકળવા પર પાબંદી લગાવી દેવાઇ છે. જેને કારણે લોકો ઘરમાં નજરકેદ બની રહ્યા છે. રસ્તાઓ સૂમસામ બની જતાં શહેરો ભયાવહ લાગી રહ્યા છે. જીવન જરૂરી વસ્તુ લેવા માટે પડાપડી થઇ રહી છે. કેટલાક દેશોએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. એકંદરે વિકાસશીલ ગણાતા દેશો કરતા ભારતમાં સ્થિતિ ઘણી સારી હોવાનો મત વિદેશોમાં સ્થાયી થયેલા બરોડિયન્સે વ્યકત કર્યો છે.

ફ્રાન્સના પેરિસથી કૌલિક પટેલ…ઘરની બહાર જવા સરકારને ફોર્મ ભરી જાણ કરવી પડે, નહીં તો 38 યુરોનો દંડ
છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ફ્રાન્સમાં પરિવાર સાથે રહું છું. કોરોના વાઇરસની અસરના કારણે શનિવારથી શહેરને લોકડાઉન કરી દેવાયું છે. આખુંય શહેર ખાલી થઇ ગયું છે. માત્ર ફાર્મસી અને ગ્રોસરી સ્ટોર જ ખુલ્લા છે. તમામ ટ્રાન્સપોર્ટેશન 70 ટકા સુધી બંધ કરી દેવાયા છે. પહેલા રોજ 5 મિનિટે એક ટ્રેન આવતી હતી, હવે 20 મિનિટે એક ટ્રેન આવે છે. ઘરની બહાર નિકળવા માટે સરકારને ઓનલાઇન ફોર્મ ભરીને જાણ કરવાની હોય છે. જો જાણ કર્યા વગર બહાર નીકળીએ તો 38 યુરોથી 138 યુરો સુધીનો દંડ ભરવો પડે. 3 મહિના સુધી વિઝા લંબાવાયા છે. ગ્રોસરી સ્ટોર બહાર 500 મીટર સુધીની લાઇનો લાગી હતી. ભારત સરકારે તકેદારીના પગલા લીધાના 2 દિવસ વિતી ગયા બાદ ફ્રાન્સની સરકારે વાઇરસ સામેની કામગીરી સઘન બનાવી હતી.

કતારથી વિમલ વૈષ્ણવ…રસ્તા-મોલ સૂમસામ, કામ વગર બહાર ન નીકળવા સૂચના
લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવાનું તંત્ર દ્વારા કહેવાયું છે. અહીં રસ્તા, મોલ, થિયેટરો સૂમસામ જણાઇ રહ્યાં છે. એકલ-દોકલ વ્યક્તિ જ નજરે ચડે છે. તે જે કંપનીમાં કામ કરે છે ત્યાં તે જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેની સંપૂર્ણ મેડિકલ ચકાસણી કરાવાય છે અને સતત સેનેટાઇઝરનો ઉપયોગ કરવા જણાવાય છે. જો કંપનીની ઓફિસમાંથી બહાર નીકળવાનું થાય ત્યારે પણ ચકાસણી થાય છે અને થોડી મિનિટોમાં પરત આવે ત્યારે પણ સંપૂર્ણ ચકાસણી થાય છે. તેના પરિવારને 9 માર્ચે વડોદરાથી કતાર આવવાનું હતું, પણ કોરોનાને કારણે કેન્સલ થયું છે. અત્યારની સ્થિતિને જોતા લક્ષણો જણાય તો તુરંત આઇસોલેશનમાં રાખી સારવાર અપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *