શહેરમાં આજે ઠેર-ઠેર હોલિકાદહન થશે 50થી વધુ સ્થળે વૈદિક હોળી પ્રગટાવાશે

Uncategorized
  • લાકડાંના બદલે ઈકો-ફ્રેન્ડલી હોળીથી 300 ઝાડ કપાતાં બચી શકે છે
  • ધાણી-ચણા-ખજૂરની ખરીદી માટે ચાર દરવાજા વિસ્તારમાં મેદની ઊમટી

શહેરીજનો સોસાયટીઓ અને પોળના નાકે સોમવારે હોલિકા દહન કરશે. પૌરાણિક કથા પ્રમાણે જેમ ભગવાને હોલિકાથી પ્રહ્લાદને બચાવ્યો હતો તેમ જ પોતાના જીવન અને વિચારોમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા લોકો પ્રભુને પ્રાર્થના કરશે. હોલિકા દહનમાં પારંપરિક રીતે લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેના કારણે પ્રદૂષણ પણ ફેલાય છે. પ્રદૂષણ રોકવા તેમજ ઝાડને કપાતાં રોકવા માટે 50થી વધુ સ્થળો પર નાગરિકો છાણાં અને ઘાસનો ઉપયોગ કરીને વૈદિક હોળી પ્રગટાવશે.

ઇકોફ્રેન્ડલી હોળી ઉજવાય તો 300 ઝાડ બચે
ઉલ્લેખનીય છે કે, હોળી-ધુળેટીના તહેવાર પહેલાં ચાર દરવાજા વિસ્તારમાં લોકોએ ધાણી અને ખજૂરની ધૂમ ખરીદી કરી હતી. આ ઉપરાંત ધુળેટીના વિવિધ રંગો અને પિચકારી ખરીદીને બાળકોએ આનંદ પણ માણ્યો હતો. બીજી તરફ હોળીમાં 3 હજાર જેટલાં સ્થળો પર હોલિકા દહન કરવામાં આવશે. જેમાં 80 હજાર કિલો લાકડું હોમી દેવાશે. વનવિભાગના મતે 1 ઝાડમાંથી ઓછામાં ઓછું 300 કિલો લાકડું નીકળે છે. જો શહેરમાં દરેક નાગરિક લાકડાંની જગ્યાએ છાણાં અને ઘાસનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી હોળી સળગાવે તો 300 ઝાડ કપાતાં બચી શકે છે.

શા માટે વૈદિક હોળી કરવી જોઈએ?
હોળીનો તહેવાર શિયાળા અને ઉનાળાની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન વાઇરસની સંખ્યા પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે બીમારીનું પ્રમાણ પણ વધે છે. વૈદિક હોળીમાં ગાયનું છાણ, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી તેમજ નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઇરસને નિયંત્રિત કરી શકાય છે. વૈદિક હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકશે અને ભરપૂર માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે.

દિવાળીબા નગરના રહીશો બે વર્ષથી વૈદિક હોળી પ્રગટાવે છે
છેલ્લાં બે વર્ષથી છાણાં-ઘાસથી વૈદિક હોળી પ્રગટાવી વૈદિક રીતે પૂજા પણ કરીઅે છીઅે. ચાલુ વર્ષે અમે વૈદિક હોળી જ પ્રગટાવવાના જેથી પ્રદૂષણ થતું નથી. – રિદ્ધિબેન ત્રિવેદી, દિવાળીબા નગર, માંજલપુર

પહેલી વખત વૈદિક હોળી પ્રગટાવીશું
અગાઉ લાકડાંથી હોળી પ્રગટાવતા જેથી થતું પોલ્યુશન વાતાવરણને નુકસાન કરે છે. જેથી ચાલુ વર્ષે પહેલી વખત વૈદિક હોળી પ્રગટાવીશું.જેમાં 2250 છાણાંનો ઉપયોગ કરાશે. – વિજય આઉટે, નારાયણ ઔરા, સનફાર્મા રોડ

આજે હોળી પ્રગટાવવાનું મુહૂર્ત
સોમવારે હોળી પ્રગટાવવાની રહેશે. જેમાં ભદ્રા યોગ બપોરે 1:12 મિનિટે પૂર્ણ થઈ જાય છે. જેથી હોળી પ્રગટાવવા માટે પ્રદોષ કાળ સૂર્યાસ્ત સમયથી અેટલે કે સાંજે 6:20 થી રાત્રીના 8:50 નો સમય શ્રેષ્ઠ છે. આ વરસે મુહૂર્તમાં ચાલુ વર્ષે કોઈ પણ પ્રકારનો મતમતાંતર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *