પત્નીની છેડતી કરનાર યુવાનો સામે ફરિયાદ કરતા પતિની હત્યા, આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારની ચીમકી

Crime

યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયુંમૃતકની પત્ની અને ભાઇએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, પોલીસે કાર્યવાહી કરી હોત તો સુજલ જીવતો હોત

પત્નીની છેડતી કરનાર યુવાનો સામે ફરિયાદ કરનાર પતિને બોલાવીને જીવલેણ માર મારનાર યુવાનનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિવારજનોએ આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ લઇ ન જવાની જીદ સાથે પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. 
પત્નીની છેડતી કરનાર યુવાનોએ પતિને માર મારતા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી
વડોદરા શહેરના આજવા રોડ ઉપર 106, જય અંબેનગરના રહેવાસી સુજલ ઉર્ફ ચકો ભાઇલાલભાઇ પરમારની(ઉં.34) પત્નીની વિસ્તારના 40 ક્વાટર્સનો રહેવાસી રાહુલ વસાવાએ ચાર માસ પૂર્વે છડતી કરી હતી. તે સમયે સુજલ અને રાહુલ વચ્ચે ઝઘડો થયો હતો. તે ઝઘડામાં રાહુલના અન્ય ત્રણ મિત્રોએ પણ સુજલને માર માર્યો હતો. જે અંગે સુજલ પરમારે બાપોદ પોલીસ મથકમાં અરજી આપી હતી. 
અરજી પરત ખેંચવા બોલાવેલા યુવાનને બોલાવીને જીવલેણ હુમલો કર્યો હતો
આ અરજી પરત ખેંચવા માટે બે દિવસ પૂર્વે સુજલ ઉર્ફ ચકા પરમારને રાહુલ કમલેશ વસાવા અને તેના 40 ક્વાટર્સમાં જ રહેતા ત્રણ મિત્ર દિપક ઉર્ફ ફંટીયો પવાર, પપ્પુ પવાર, મનિષ કમલેશ વસાવાએ જે.પી. નગર વુડાના મકાન પાસે બોલાવ્યો હતો. અને સુજલ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં રાહુલ લોખંડની કોશ હાથમાં મારી હતી., દિપકે લોખંડની પાઇપના ફટકા હાથ ઉપર માર્યા હતા. પપ્પુ પવારે ચાકૂથી હુમલો કર્યો હતો. અને મનિષે પગમાં બેઝબોલ સ્ટીકથી ફટકા માર્યા હતા. 
યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું
સુજલને ઉપર હુમલો થયો હોવાની જાણ પત્ની મીના અને ભાઇ તથા પરિવારજનોને થતાં સ્થળ પર દોડી ગયા હતા. અને લોહીલુહાણ થઇ ગયેલા સુજલને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની પત્ની કહે છે કે, પોલીસ જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ નહીં કરે, ત્યાં સુધી મૃતદેહ સ્વિકારીશું નહીં
સુજલની પત્ની મીના પરમારની અને ભાઇએ જણાવ્યું હતું કે, બાપોદ પોલીસ જ્યાં સુધી સુજલના હત્યારાઓની ધરપકડ કરશે નહીં ત્યાં સુધી અમે મૃતદેહ સ્વિકારીશું નહીં. પત્ની અને ભાઇએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ચાર માસ પૂર્વે જ ભાઇના હુમલાખોર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હોત તો આજે સુજલ જીવતો હોત.

Source : www.divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *