વડોદરા ફ્લેશબેક 2019/પૂરે વડોદરાને ડૂબાડ્યું તો CAAના વિરોધમાં પોલીસ પર પથ્થરમારો થતા અજંપાભરી પરિસ્થિતિ પેદા થઈ હતી

General

વીતેલા વર્ષના 4 એવા બનાવો જે વડોદરાવાસીઓ ક્યારેય નહીં ભૂલેનવલખી ગેંગરેપથી માંડીને ખુશ્બુ જાની અને પ્રાચી મૌર્યની હત્યા72 વર્ષીય મેયર પર ટપલીદાવ કરી વડોદરાને લજાવ્યું4 ક્લાસવન અધિકારીઓ ઉપરની આવકના સકંજામાં ફસાયા

ઓગષ્ટ મહિનો વડોદરા માટે જળતંડાવનો રહ્યો હતો. તા. 31 જુલાઈએ શરૂ થયેલા વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને 24 કલાકની અંદર શહેરમાં 21 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરસાદ એટલો ભયાનક હતો કે શહેરનો એક પણ વિસ્તાર એવો ન હતો કે જે વિસ્તારની સોસાયટીમાં પાણી ધૂસ્યા ન હોય એક તરફ ચારે તરફ વરસાદી પાણી ફળી વળ્યા હતા તો બીજી તરફ લાઈટો ગુલ થતાં સમગ્ર શહેરમાં અંધકાર છવાઈ ગયો હતો. લોકોની મદદ કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું હતું અને એક જ દિવસમાં છ લોકોના મોત નિપજ્યાં હતા. ભયાનક વરસાદના કારણે વરસાદી પાણીને ઓસળતાં ત્રણ થી ચાર દિવસ લાગ્યા હતા. આ વરસાદે વડોદરાના વરસાદનો 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.

સ્પીચલેસ મર્ડર
ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મૌર્યની ક્રૂર હત્યાએ શહેરને હચમચાવી નાખ્યું
(25 એપ્રિ લ, 19) એન્જિનીયરીંગના બે તેજસ્વી વિદ્યાર્થીઓ વચ્ચેના પ્રેમસબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. ખંભાતમાં સ્પીચલેસ નામનું નાટક કરીને મોડી રાતે વડોદરા પરત ફરેલી 25 વર્ષની પ્રાચી મોર્યની તેના જ પ્રેમી 24 વર્ષના વસીમ અરહાને જુના પાદરા રોડ પર રિલાયન્સ મોલની ગલીમાં ગળુ દબાવીને ક્રુર હત્યા કરી હતી. વસીમને શંકા હતી કે પ્રાચી અન્ય યુવકના પ્રેમમાં છે. આ બાબતે બન્ને વચ્ચે બોલા ચાલી પણ થઈ હતી પ્રાચીએ વસીમને લાફો મારીદેતાં ઉશ્કેરાઈ ગયેલા વસીમે પ્રાચીની હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું હતું.

ખુશ્બુની લાશ તળાવમાંથી મળી ધર્મનો ભાઇ જ હત્યારો નીકળ્યો
પાદરના ચાણસદ ગામમાં રહેતી ખુશ્બુ જાનીની લાશ ગામના જ તળાવમાંથી મળી આવી હતી. આ ચકચારી કેસમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા ખુશ્બુના ધર્મના ભાઈની ધરપકડ કરી હતી. તપાસમાં આરોપી સગીર હોવાનું ખુલ્યું હતું.

ગેંગરેપઃ સગીરા પર થયેલા દુષ્કર્મથી રાજ્યમાં ખળભળાટ
સપ્ટેમ્બર મહિનામાં નવલખી ગ્રાઉન્ડની ઝાડીઓમાં કિશન અને જશો નામના બે નરાધમ શખ્સોએ 14 વર્ષની માસુમ સગીરા સાથે ગેંગરેપ કરતાં આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવ્યું હતું. આરોપીઓને ઝડપી પાડવા રાજ્યભરની પોલીસને દોડતી કરવામાં આવી હતી. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસ પછી ગેંગરેપ આચરી વડોદરામાં જ ખુલ્લેઆમ ફરી રહેલા બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

શરમઃ પ્રથમવાર 72 વર્ષીય મહિલા મેયરનો ટપલીદાવ
શહેરની 6 લાખ જનતાને આખુ વર્ષ ગંદુ પાણી પીવાનો વારો આવ્યો હતો. આ મુદ્દે વિરોધ કરવા ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસે પાલિકાની વડી કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પાલિકાની સભામાં જતાં મેયરને સભાગૃહની બહાર જ અટકાવીને ટપલીદાવ કરી ધક્કે ચઢાવતાં મેયર હેબતાઈ જઈ રડી પડ્યાં હતા. વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા મેયરને ઘેરીને તેમનો ટપલીદાવ થયો હોય તેવો આ પહેલો કિસ્સો હતો.

કૌભાંડઃ કલ્પેશની ધરપકડ, મનપસંદનું 300 કરોડનું કૌભાંડ
કેમરોક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આચરવામાં આવેલા 1600 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા કલ્પેશ પટેલની ઓગષ્ટ મહિનામાં પોલીસે 4.94 કરોડની છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરી હતી. જ્યારે મનપસંદ બેવરેજીસના સંચાલકોએ 300 કરોડનું બોગસ જીએસટી બિલ કૌભાંડ આચરતાં પોલીસે આ કૌભાંડમાં કંપનીના એમડી અભિષેક સિંધ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સત્તાનો વિવાદ
જિલ્લા પંચાયતમાં બળવાખોરોએ કોંગ્રેસને જ પાડી સત્તા હાંસલ કરી
(16 સપ્ટેમ્બર, 19) કોંગ્રેસ પાસે રાજ્યમાં ગણીગાઠી જિલ્લા પંચાયતમાં સત્તા છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસમાં જ બળવો કરાવીને પ્રમુખ પન્નાબેન ભટ્ટને હટાવ્યા હતા અને તેમના સ્થાને બળવાખોળ જુથના ઈલાબા ચૌહાણને પ્રમુખ પદે બેસાડ્યા હતા. આ ઓપરેશનમાં જિલ્લા ભાજપના અગ્રણીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આતાપીમાં કિશોરનું ડૂબી જતાં મોત: રાજકીય ઓથના આક્ષેપ
(17 જાન્યુઆરી, 19) આજવા સ્થિત આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કના પાણીના ટાંકામાં પડી ગયેલા 12 વર્ષના હસનેનનું મૃત્યુ થયું હતું. આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં પોલીસ દ્વારા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું અને નાના કર્મચારીઓને આરોપી બનાવીને બનાવ પર પડદો પાડવાનો પ્રયાસ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઉદ્યોગપતિના બંગલાનું વેચાણ વિવાદનું કારણ બન્યું
(17 સપ્ટેમ્બર, 19) વાસણા રોડ પર કેસરબાગ સોસાયટીમાં આવેલા ઉદ્યોગપતિ ગોરડીયા દંપત્તિનો બંગલો લધુમતિને વેચવામાં આવતાં આ વિસ્તારમાં ભારે વિવાદ સર્જાયો હતો. સીએમ સુધી લોકો રજુઆત માટે દોડી ગયા હતા. બીજી તરફ શહેરમાં અશાંત ધારાનું ચુસ્ત પાલન ન થતું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. હાલ સમગ્ર મામલો હાઈ કોર્ટ સુધી પહોંચ્યો છે.

મોટી લાંચ
કોણ ચડિયાતુ? પત્ની 1 લાખની તો પતિ 5 લાખની લાંચમાં ઝડપાયો
(11 જાન્યુઆરી, 19)પીએફ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં પારૂ તીવારીની 1 લાખની લાંચ કેસમાં ધરપકડ થયા બાદ આ જ કચેરીમાં ફરજ બજાવતો તેનો પતિ રજનીજ તીવારીની 5 લાખની લાંચ કેસમાં ધરપકડ કરાઈ હતી. તપાસમાં પત્નીનું અધુરુ કામ પુરુ કરવા જતાં પતિ પણ લાંચ કેસમાં ફસાયો હતો. લાંચ કેસમાં પત્ની-પત્નીની ધરપકડનો પ્રથમ બનાવ હતો.

CBIના છટકામાં PESOનો કંટ્રોલર 1.50 લાખની લાંચ લેતા ઝડપાયો
(23 જાન્યુઆરી, 19) રાજકોટ અને મોરબીમાં સીએનજી ટેસ્ટીંગ સ્ટેશનોના અનુકુળ ઈન્સપેક્શન કરવા માટે ગાંધીનગરમાં પ્લાન્ટ ધરાવતાં વચેટીયા પાસેથી 1.50 લાખની લાંચ લેતા પેસોનો કંટ્રોલર અનિલકુમાર યાદવ અને વચેટીયા સમગ્રાટ કાપડીયાની સીબીઆઈએ જાન્યુઆરી મહિનામાં ધરપકડ કરી હતી.

પાણીપુરવઠાના ઈજનેર મુકુંદ પટેલ 1.50 લાખની લાંચ લેતા પકડાયાં
(31 ઓગષ્ટ, 19) સપ્ટેમ્બર મહિનામાં શહેરની પાણીની ટાંકીઓની સફાઈની કામગીરી પુરી થયા બાદ તેના પાણીના બિલો પેન્ડીંગ હતા. આ બીલોના ચુકવમા કરવાવવા માટે કોન્ટ્રાક્ટરે પાલિકાના પાણીપુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મુકુંદ પટેલને રજુઆત કરતાં તેમણે 1.50 લાંચ માંગ હતી. જેથી કોન્ટ્રાક્ટરે પાલિકાની વડી કચેરીમાં જ એસીબીની મદદથી છટકું ગોઠવ્યું હતું અને મુકુંદ પટેલની ચેમ્બરમાં જ 1.50 લાખ આપ્યા હતા. જેના પગલે એસીબીએ કાર્યપાલક ઈજનેર મુકુંદ પટેલને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

શહેરની સલામઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે આરીફ પઠાણ અને સંજય સાધુ શહીદ

  • જમ્મુ-કાશ્મિરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અંધાધૂન ફાયરિંગનો મુહતોડ જવાબ આપી રહેલો શહેરનો મહંમદ આરીફ જુલાઈ મહિનામાં શહીદ થયો હતો. શહીદની અંતિમ યાત્રામાં સમગ્ર વડોદરાવાસીઓ ઉમટ્યાં હતા.
  • ઈન્ડો-બાંગ્લાદેશ બોર્ડર પર પશુ તસ્કરીને અટકાવવા માટે બીએસએફ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઓગષ્ટ મહિનામાં વડોદરા શહેરનો બીએસએફ જવાન સંજય સાધુ ફરજ બજાવતા શહીદ થયો હતો. તેના મૃતદેહને વડોદરા લવાતાં હજારો લોકો તેની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

CAAના વિરોધમાં પોલીસ પર પથ્થર મારો, શહેરમાં અજંપો
સીએએના મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા ત્યારે સાત દિવસ પહેલાં હાથીખાના વિસ્તારમાં જુમ્માની નમાઝ બાદ તોફાની તત્વોએ પોલીસ પર ભારે પથ્થર મારો કર્યો હતો. આ ચકચારી બનાવમાં પોલીસે 36 આરોપીની ધરપકડ કરી છે.

અધૂરા પ્રોજેકટ ગત વર્ષમાં પૂરા કરવાના હતા, ન થયા
શિવજીને સુવર્ણજડિત કરવામાં હજી સમય લાગશે
સુરસાગર તળાવ સ્થિત 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને વર્ષ 2019માં સુવર્ણજડિત કરવાનું આયોજન હતું. જેના માટે રૂા. 9 કરોડ ખર્ચ કરવામાં આવનાર છે. જો કે તળાવના બ્યુટિફિકેશનનું કામ પાલિકા દ્વારા હાથ પર લેવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન સોનાના ઢાળ ચઢાવવામાં નુકશાન થઇ શકે તેવી સંભાવના હોવાથી બ્યુટિફિકેશનની કામગીરી બાદ સોનાનો ઢાળ ચઢાવાશે.

નવુ એરપોર્ટ બન્યું, ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીમાં રનવેની આપદા
શહેરમાં નવુ એરપોર્ટ ટર્મિનલ શરૂ થયું છે. નવુ બિલ્ડીંગ બનતા ઇન્ટરનેશનલ ફલાઇટની કનેક્ટીવીટી મળવાના સંજોગો ઉજળા બન્યા હતા. જો કે હબ એન્ડ સ્પોકની પ્રાથમિક સુવિધા જ હજી ઉપલબ્ધ થઇ શકી નથી. બીજી તરફ ઇન્ટરનેશનલ ફલાઇટના મુસાફરોની સંખ્યા હોછી જણાતા ખાનગી ફલાઇટ દ્વારા સરવે કરાયા બાદ ફલાઇટ શરૂ કરવામાં આવી નથી. સાથે નિયમ મુજબ રનવેની લંબાઇની સમસ્યા પણ બાધારૂપ બની રહી છે.

આજવા રાત્રિ બજાર, કોઇ લેવાલ નથી
શહેરનું બીજુ રાત્રિ બજાર આજવા રોડ પર બની ગયું છે. જો કે હજી શરૂ કરાયું નથી. આ બજારની દુકાનોનો કોઇ લેવાલ નથી. વેપારીઓ હરાજીમાં રસદાખવતા ન હોવાથી દુકાનો હજી શરૂ થઇ નથી. માત્ર 8 દુકાનોની હરાજી થઇ અને તેમાંય વીજ જોડાણ મળી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *