શહીદના પરિવારને 16 એકર ખેતીની જમીન આપવાની જોગવાઈનો કાગળ પર જ અમલ

Social
 • માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત
 • શહીદોના પરિવારને રૂ. 1 કરોડ સુધીની આર્થિક સહાય આપવા માગ  

શહેરના માજી સૈનિક સેવા ફાઉન્ડેશને સોમવારના રોજ કલેક્ટરને મળીને માજી સૈનિક તેમજ શહીદ સૈનિકોના પરિવારજનોના ઉત્થાન માટે રજૂઆત કરી હતી. જેમાં શહીદ સૈનિકોનાં સંતાનોને સરકારી નોકરી તેમજ પરિવારને રૂ.1 કરોડ સુધીની આર્થિક સહાય આપવામાં આવે તેવા 12 મુદ્દાઓ કલેક્ટર સમક્ષ મૂક્યા હતા. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ દિનેશકુમાર દેવાતરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા શહીદી વહોરનાર શહીદના પરિવારને 16 એકર સુધીની ખેતીની જમીન આપવાની જોગવાઈ કરાઈ છે. જે જોગવાઈ માત્ર કાગળો પર જ જોવા મળે છે, જેનો ચુસ્ત પણે અમલ કરવામાં નથી આવી રહ્યો. જે બાબતે માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા 26 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ શહીદ સ્મારક ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીએ 27 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે પહોંચી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને 12 મુદ્દાઓના અમલીકરણ માટે આવેદનપત્ર આપ્યું હતું. જે મુદ્દાઓના અમલીકરણ માટે સરકારે બાંયધરી પણ આપી છે. જ્યારે સોમવારે માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા વડોદરા જિલ્લાના કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

માજી સૈનિકો દ્વારા રજૂ કરાયેલા મુખ્ય મુદ્દા

 • માજી સૈનિકોને સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે.
 • રાજ્ય સરકાર વર્ગ 1 થી 4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અનામતનો અમલ કરવામાં આવે
 • સેનાની નોકરીનો સમયગાળો પુન: નોકરીમાં સળંગ ગણવામાં આવે
 • માજી સૈનિકોને સરકારી નોકરીમાં તેમના રહેઠાણની જગ્યા પર જ નિમણૂક કરવામાં આવે.
 • શહીદના પરિવારને અપાતી આર્થિક સહાયની રકમમાં રૂ.1 કરોડ સુધીનો વધારો કરવામાં આવે
 • શહીદ સૈનિકના એક પુત્રને સરકારી નોકરી અને પેંશન આપવામાં આવે
 • માજી સૈનિકોને ખેતીની જમીન આપવામાં આવે છે. પરંતુ તેનો ચુસ્ત અમલ સરકાર દ્વારા કરવામાં આવે
 • માજી સૈનિકોને દારૂની પરમિટ અલગથી નશાબંધી કચેરીમાંથી લેવી પડે છે જે નિયમ રદ કરવામાં આવે
 • કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં માજી સૈનિકોનું શોષણ કરવામાં આવે છે. જેથી આ પદ્ધતિ નાબૂદ કરવામાં આવે
 • માજી સૈનિકની ગનનું લાઇસન્સ લેવા તુરંત કાર્યવાહી થાય તેવી સિસ્ટમ રાખવી જોઈએ
 • ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં માજી સૈનિકોનાં સંતાનોને છૂટછાટ આપવામાં આવે

શહીદ આરીફનાં માતાપિતાને સહાયનો ચેક અપાયો
જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે શહીદ જવાન મહંમદ આરીફનાં માતાપિતાને મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી સહાયતા તેમજ રાજ્ય સરકારે તા.1 ઑક્ટોબર-2019થી મંજૂર કરેલી માસિક સહાયની એકત્રિત રકમ મળીને ચેક દ્વારા રૂ.56 હજારની સહાયતા રાશિ અર્પણ કરી હતી. આ પૈકી રૂ.50 હજારની રકમ મુખ્યમંત્રી જવાન રાહત ફંડમાંથી આપવામાં આવી છે. જ્યારે તેનાં માતા અને પિતાને માસિક સહાયતાની એકત્રિત રકમ તરીકે રૂ.૬ હજારની સહાય ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે શહીદ જવાનનાં માતાપિતા જીવે ત્યાં સુધી દર મહિને,પ્રત્યેકને રૂ.500 પ્રમાણે માસિક સહાય ચૂકવવાનો આદેશ કર્યો છે. આમ, માતાપિતાને માસિક એકત્રિત રૂ.1 હજારની સહાય મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *