રૂપિયા 1.5 કરોડમાં હાથીદાંત વેચવા ફરતો શખ્સ પકડાયો, કહ્યું – દાદા આફ્રિકાથી લાવ્યા હતા

Crime
  • વનવિભાગ, જીએસપીસીએ છટકું ગોઠવી વડોદરાના વિનાયકને પકડયો
  • 3.5 ફૂટ લાંબા અને સાડા પાંચ કિલો વજનના 2 હાથીદાંત કબજે કરાયા

વનવિભાગે જાસપુરા ગામે છટકુ ગોઠવી વડોદરાના શખ્સને બે હાથીદાંત સાથે ઝડપી પાડ્યો હતો. આ વ્યક્તિએ બે હાથીદાંત દોઢ કરોડ માં સોદો કરવાનો પ્રયાસ કર્યો હતો. વનવિભાગે આ પ્રકરણમાં વિનાયક રતિલાલ પુરોહિતને દબોચી લીધો હતો. વનવિભાગને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો, દિલ્હીથી બાતમી મળી હતી કે, વડોદરામાં એક વ્યક્તિ ગેરકાયદે હાથીદાત વેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. વનવિભાગે છટકુ ગોઠવતા વિનાયક રતિલાલ પુરોહિતે આ હાથીદાંતની કિંમત રૂ. 2.5 કરોડ જણાવી હતી પણ ત્યારબાદ સોદો રૂ. 1.5 કરોડમાં નક્કી થયો હતો. આ માટે વિનાયકે જાસપુરાના મંદિર પાસેના વિનુ દરબારના ઘરે બોલાવ્યા હતા.

એક હાથીદાંતનું વજન 2 કિલો જેટલું
તેથી સવારના આઠ વાગ્યાથી વનવિભાગ, જીએસપીસી સહિતની ટીમોના 10 જેટલા સભ્યોએ બપોરેના બે વાગ્યાના સુમારે વિનુ દરબારના ઘરના પહેલા માળે દરોડો પાડી વિનાયકને હાથીદાંત સાથે ઝડપી લીધો હતી. જ્યારે વિનુ દરબાર રફુચક્કર થઇ ગયો હતો. વનવિભાગના ડીસીએફ વિનોદ ડામોરે જણાવ્યું હતું કે, ‘હાલમાં વિનાયકને ફોરેસ્ટ વિભાગની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પૂછપરછમાં આ હાથી દાત તેના દાદા આફ્રિકાથી 1964માં લાવ્યા હોવાનું જણાવ્યું હતું. ’ બંને હાથીદાત પૈકીના દરેકની લંબાઇ 110 સેમી (અંદાજે 3.5 ફૂટ) છે. એક હાથીદાતનું વજન 2 કિલો અને 880 ગ્રામ અને બીજાનું 2.766 ગ્રામ જેટલું છે.

સરનામું આપવામાં ગલ્લાતલ્લાં કર્યા
વિનાયકે સાચુ સરનામુ બતાવવા માટે ગલ્લાતલ્લા શરૂ કરી દીધા હતા. પહેલા તેણે પોતે સમા રહેતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ભાયલી રહેતો હોવાની ફેફિયત કરી હતી પણ તેના આધારકાર્ડમાં સરનામુ એ-134 રેસકોર્સ સોસાયટી હાઇટેન્શન રોડ સુભાનપુરા હોવાનું ખુલ્યું હતું. વિનાયક પાસે સુમો છે અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તે અગાઉ ગોરવાના રાજકીય અગ્રણીનો ડ્રાઇવર રહી ચૂક્યો હોવાની વિગતો ખૂલી હતી.

આ ગુનામાં શું સજા થઇ શકે?
વનવિભાગના કાયદા મુજબ આ ગુનામાં આરોપીને ત્રણ વર્ષની કેદ અને રૂ. એક લાખનો આર્થિક દંડ થઇ શકે છે. હાલમાં આરોપી વિનુને વનવિભાગના કારેલીબાગના રેસ્કયૂ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે. જ્યારે ફરાર થયેલા વિનુ દરબારની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *