પૂરનું સંકટ:નર્મદા ડેમમાંથી 8.13 લાખ ક્યૂસેક પાણી છોડાયું, કાંઠાના ગામો એલર્ટ, રોશનીનો અદભૂત નજારો

Monsoon
  • NDRFની એક ટીમ કુબેર તીર્થ કરનાળી ગામમાં તૈનાત કરવામાં આવી
  • ભરૂચના 12, અંકલેશ્વરના 14, ઝઘડિયાના 13 ગામના 1387 લોકોનું સ્થળાંતર
  • ડભોઇ તાલુકાના નંદેરિયાના 17 અને કરનાળીના 11 લોકોનું સ્થળાંતર

નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. નર્મદા ડેમની સપાટી 131.13 મીટર થઈ છે. હાલ ડેમના 23 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં અત્યારે 10,16,036 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 8,13,833 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી લોકોનું સ્થળાંતર પર કરાયું છે. જ્યારે ભરૂચ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થતા પૂરનું સંકટ સર્જાયું છે.

વહીવટી તંત્રએ નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા
મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થતાં 8.13 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ તાકીદની બેઠક બોલાવી નર્મદા કિનારાના ભરૂચના 12, અંકલેશ્વરના 14 અને ઝઘડિયાના 13 ગામોના 1387 લોકોનું તાકીદે સ્થળાંતર કરાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ તવરા ગામના લોકોને એલર્ટ જાહેર કરતા સ્થાનિકો જ હોડીમાં લોકોને સ્થળાંતર કરી રહ્યા છે. ભરૂચ તાલુકા મામલતદાર પી.ડી પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન અને માછીમારી માટે નદીની બીજે પાર વરસાદ તવરા, મંગલેશ્વર, નિકોરા, શુક્લતીર્થ સહિતના ગામ લોકોને ગામમાં પરત લવાયા છે. વહીવટી તંત્રએ નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા છે.

સતત બીજા વર્ષે પણ નર્મદા નદીએ ગોલ્ડન બ્રિજે 24 ફૂટની ભયજનક સપાટી વટાવી
નર્મદા નદીમાં ડેમમાંથી પાણીની આવક થતા ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 24.93 ફૂટ પહોંચી છે. 8 લાખ ક્યૂસેક પાણી છોડાતું હોવાથી નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે. ભરૂચમાં સતત બીજા વર્ષે પણ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી છે. નદીની ભયજનક સપાટી 24 ફુટની છે. ગામના સરપંચ નિલેશ વસાવાએ જણાવ્યુ કે, શુક્લતીર્થ ગામ સુધી હાલની દ્રષ્ટિએ પાણી ભરાવાની શક્યતા ઘણી ઓછી છે પરુંત નદીકાંઠાના ખેતરોમાં નુકશાન થઇ શકે છે. નદીની બીજા કાંઠે ઢોર-ઢાંકર અને લોકોને સુવિધા આપવી પડશે. 28-29 ફૂટ પાણી આવે ત્યાર પછી જ જનજીવન પર નર્મદાની પાણીની અસર થશે.

કંટ્રોલરૂમનો નંબર 02642-242300 જાહેર કરાયો
ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી મોડિયાએ જણાવ્યું કે, જળ સપાટી વધવાથી ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના ગામોને એલર્ટ કરાયા છે. એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં મૂકી છે. ગામોમાં પાણી ભરાયા હોય તો મદદ માટે 02642-242300 કંટ્રોલરૂમ નંબર જાહેર કરાયો છે.

કડાણા ડેમમાંથી 4.50 લાખ ક્યૂસેક સુધી પાણી છોડાશે
કડાણા ડેમમાંથી છોડવામાં આવતું પાણી 2.00 લાખથી વધારીને 4.50 લાખ ક્યૂસેક કરવામાં આવનાર છે. આથી ખોડીયાર, હાદોડ અને આંત્રોલી બ્રિજ બંધ કરવામાં આવેલો છે. તમામને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે.

તવરા ગામના 250 થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા
નર્મદાની જળ સપાટી વધતા ભરૂચ તાલુકાના તવરા અને નિકોરા ગામના લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. નદીની બીજી તરફ રહેતા 80 જેટલા નિકોરા ગામના વતનીઓને જળ સપાટી ઓછી ન થાય ત્યાં સુધી તેમને ગામમાં જ રાખ્યા છે. નવા તવરા ગામના 250 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા છે.

નિકોરામાંથી 300થી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી
સરપંચ જગદીશ પટેલે જણાવ્યુ હતુ કે, નિકોરા ગામનું અન્ય ફળિયામાં વરસતા લોકો કાયમી પશુપાલન કરે છે તેથી તેઓ ઢોર-ઢાંકર સાથે જ રહે છે. અહીં માછીમારી અને પશુપાલન સાથે સંકળાયેલા 300થી વધુ લોકો રહે છે. હાલ તેમને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. તેમને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવશે.

Source : https://www.divyabhaskar.co.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *