ગંગાની માટીના નવ ફૂટના શ્રીજી, ફતેગંજમાં કોલકતાથી ખાસ માટી મંગાવાઈ

Uncategorized

શહેરમાં 7 હજારથી વધુ ગણેશ મંડળોએ શ્રીજીની પ્રતિમાંઓનું સ્થાપન કર્યું છે. ચાલુ વર્ષે 40 ટકાથી વધુ મંડળોએ પોતાના મંડળોમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે. ફતેગંજના યુવક મંડળે કોલકત્તાથી ગંગા નદીની માટી લાવી પ્રથમ વખત ગણેશજીનું નિર્માણ કરાવ્યું છે.બીજી તરફ કારેલીબાગના કલાકારે પોતાના ઘરમાં 50 કિલો છાણથી બનાવેલા શ્રીજીની સ્થાપના કરી છે.

શ્રીજીનું વિસર્જન કૃત્રિમ તળાવમાં થશે
રોનક પરમારે જણાવ્યું હતું કે, અમે પર્યાવરણને બચાવવાનો એક પ્રયાસ કરી ચાલુ વર્ષે પહેલી વખત કોલકત્તાની ગંગા નદીની માટી લાવી તેમાંથી 9 ફુટના ગણપતિનું નિર્માણ કર્યું છે. આ ગણેશજીની પ્રતિમા બનાવવા માટે થઇને 700 કીલો ગંગાની માટીનો કારીગર દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારેકૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. જ્યારે આગામી વર્ષોથી અમારૂ મંડળ ઈકોફ્રેન્ડલી શ્રીજીનું નિર્માણ કરશે.

કર્ણાટકના સાસિવેકાલુના શ્રીજી બિરાજમાન કર્યા
પરાગરજ સોસાયટીના ધવલ પટેલે જણાવ્યું હતું કે, અમારું મંડળ દર વર્ષે દેશના પ્રાચીન ગણેશજીની માટીની પ્રતિકૃતિની સ્થાપના કરે છે. ચાલુ વર્ષે અમે કર્ણાટકના હમ્પી શહેરમાં આવેલા સાસિવેકાલુ ગણેશજીની 4 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરી છે. જેનું વિસર્જન પણ સોસાયટીમાં જ થશે.

ઘર માટે 50 કિલો છાણથી શ્રીજી બનાવ્યા
શહેરના કલાકાર કિશન શાહે જણાવ્યું હતું કે, મેં 50 કિલો છાણમાંથી 2 ફૂટની મૂર્તિ બનાવી છે. શાસ્ત્રોમાં છાણને ગોવિન્દ નામ આપ્યું છે, અનેક ઔષધિઓના રસ ગ્રહણ કરનારી ગાય તેના પવિત્ર છાણથી માનવ શરીરના અનેક રોગનો નાશ કરે છે. જેથી મેં 7 કલાકના સમયમાં 50 કિલો ગાયના છાણનો ઉપયોગ કરીને 2 ફૂટ ઉંચી મૂર્તિ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *