પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની કારની અડફેટે પગરીક્ષા ચાલકનું મોત, કારચાલક ફરાર

General

વરણામા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ ધરી 

વડોદરા નજીક ખટંબા ગામ પાસે પગરીક્ષા ચાલકનું કારની અડફેટે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા જ કાર ચાલક સ્થળ પર કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. કાર ચાલક પારૂલ ઇન્સ્ટીટ્યૂટનો વિદ્યાર્થી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આધેડને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું
વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત નવીનગરીમાં રહેતા રાવજીભાઇ વાદી(55) પગરીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે તેઓ વડોદરાથી પોતાની પગરીક્ષા લઇને વાઘોડિયા તરફ જઇ રહ્યા હતા. દરમિયાન ખટંબા ગામ પાસે વાઘોડિયા તરફ પુરપાટ જઇ રહેલી કારની અડફેટે આવી જતાં પગરીક્ષા ચાલક રોડ ઉપર ફંગોળાઇ ગયો હતો. માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર
પગરીક્ષા અડફેટમાં આવતા જ કાર ચાલક પોતાની કાર સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. દરમિયાન આ બનાવની જાણ વરણામા પોલીસને થતાં એ.એસ.આઇ. મનુભાઇ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને લાશનો કબજો લઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપી હતી. અને કાર કબજે કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં કાર ચાલક પારૂલ ઇન્સ્ટીટ્યૂટનો વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું હતું. વરણામા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *