ફાસ્ટેગને વધુ પ્રોત્સાહન આપવા કરજણ અને વાસદ ટોલ નાકા પર પણ ફેરફાર
કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટેગને વધુ પ્રોત્સાહન આપવા માટે સોમવારથી નેશનલ હાઇવેના ટોલપ્લાઝા પર કેસ લેનમાં ઘટાડો કરવાની સૂચના આપી છે. જેના પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર વડોદરા તરફે કાર્યરત 4 કેસ લેન પૈકી માત્ર બે ચાલુ રખાશે. આવી જ રીતે રાજ્યના તમામ ૩૭ ટોલ પ્લાઝા પર કેસ લેનમાં ઘટાડો કરાશે.
અમદાવાદ જવા માટે રોજ 22 હજાર વાહનો આવે છે
જેના પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિકનું ભારણ વધુ હોવાથી લાંબી લાઈનો લાગવાની શક્યતા સત્તાધીશોએ વ્યક્ત કરી હતી. વડોદરા તરફના ટોલ પ્લાઝા પર હાલ અમદાવાદ જવા માટે રોજ 22 હજાર વાહનો આવે છે. જે પૈકી ટ્રાવેલ્સની કાર અને અન્ય કોમર્શિયલ ગાડીઓના ચાલકો પાસે ફાસ્ટેગ હોતા નથી. જ્યારે અમદાવાદ થી વડોદરા આવવા માટે રોજ 9 હજાર વાહનો માટે વડોદરા તરફ 6 લેન કાર્યરત છે. નેશનલ હાઇવે નં. 8 પરના કરજણ અને વાસદ ટોલ નાકા પર પણ આ નિયમ લાગુ પડશે.
ફાસ્ટેગમાં લાગતો સમય | 5 સેકન્ડ |
કેશલેનમાં લાગતો સમય | 20 સેકન્ડ |
વડોદરાથી જતા વાહન | 22,000 |
વડોદરાથી જવા લેન | 9 |
2 લેન બંધ થતાં 30 મીટર સુધી લાઈન પડશે
ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા જણાવ્યા મુજબ 22,000 વાહનો પૈકી 30 ટકા વાહનો કેશ લાઇનનો ઉપયોગ કરે છે. એક્સપ્રેસ વે ઉપર2 લાઇન બંધ થતાં 30 મીટર સુધીની લાંબી લાઈન પડવાની શક્યતા છે. 40 વાહનો એક સાથે ઊભા રહી જાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે ગાડી ભાડે રાખનાર વ્યક્તિને ટોલ ભરવાનો હોય છે, જેથી ટ્રાવેલ્સવાળા ફાસ્ટેગનો ઉપયોગ જનરલી કરતા નથી, જેથી તે રકમ તેમની આવકમાં વધારો થાય. આ સાથે શેરિંગ ગાડીવાળા પણ ફાસ્ટેગ વાપરતા નથી.
ખોટી લેનમાં જવાના દંડની આવક પણ વધશે
એક્સપ્રેસ વે પર વડોદરા તરફથી જતો ટ્રાફિક કેશ લેનને બદલે ફાસ્ટેગની લેનમાં ભૂલથી જતો રહેતાં ડબલ ટોલ કરવો પડે છે. જેની ટોલ પ્લાઝાને એક મહિનાની આવક 40,000 રૂપિયા જેટલી છે. હવે બે કેશ લેન બંધ હતાં દંડની આવકમાં પણ વધારો થશે.
Source : www.divyabhaskar.co.in