વડોદરા સિટી બસમાં મુસાફરો 1.25 લાખથી ઘટીને 40 હજાર થઇ ગયા, લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે છે

COVID-19
  • કોરોના વાઇરસના કારણે સિટી બસના મુસાફરોમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો, 40 ટકા વિદ્યાર્થીઓ
  • મુસાફરો ઘટી જતા તમામ સિટી બસોમાં સિટો ખાલી જોવા મળી રહી છે 

કોરોના વાઈરસની દહેશતને પગલે વડોદરા શહેરમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેને પગલે સિટી બસમાં બેસતા મુસાફરોમાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં સિટી બસમાં સવા લાખ જેટલા મુસાફરો સિટી બસમાં મુસાફરી કરતા હતા. પરંતુ અત્યારે માત્ર 40થી 50 હજાર મુસાફરો જ સિટી બસમાં મુસાફરી કરે છે.
કોરોના વાઈરસના ડરથી લોકો કામ વગર ઘરની બહાર નીકળતા નથી
દેશભરમાં ફેલાઇ રહેલા કોરોના વાઈરસની મહામારીને કારણે વડોદરા શહેરમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળતા જ નથી. એસ.ટી. બસ અને સિટી બસોમાં મુસાફરોની સંખ્યા રોજેરોજ ઘટી રહી છે. સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી હોવાથી 40 ટકા જેટલા વિદ્યાર્થીઓનો સિટી બસમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત નોકરી-ધંધા પર જતા 30 ટકા જેટલા મુસાફરોનો પણ ઘટાડો નોંધાયો છે.
વિદ્યાર્થીઓને 15 દિવસનો પાસ ફ્રીમાં રિન્યુ કરી અપાશે
વિનાયક સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને કારણે સામાન્ય દિવસો કરતા અત્યારે 70 ટકા જેટલા મુસાફરોનો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે સવા લાખ જેટલા લોકો સિટી બસમાં મુસાફરી કરતા હોય છે, પરંતુ અત્યારે માત્ર 40થી 50 હજાર જેટલા લોકો સિટી બસમાં મુસાફરી કરે છે. 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ હાલ 15 દિવસ સુધી સિટી બસમાં પ્રવાસ નહીં કરે, તેઓને 15 દિવસ સુધીનો પાસ ફ્રીમાં રિન્યુ કરી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *