વડોદરામાં છાયાપુરી બાદ પ્રતાપનગર બીજું સેટેલાઇટ સ્ટેશન બનશે 8 મહિનામાં બરોડા એક્સપ્રેસ સહિતની ટ્રેનો ડાઇવર્ટ કરાશે

General
  • જમીન સંપાદનની ગૂંચનો ટેક્નિકલ ઉકેલ શોધાયો
  • 24 કોચની ટ્રેન સમાવી શકાય તેવાં 2 પ્લેટફોર્મ ડેવલપ કરાશે

પ્રતાપનગર રેલવે સ્ટેશનને શહેરના બીજા સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં કેટલીક સમસ્યા નડી રહી છે. ત્યારે પ્રાથમિક તબક્કે માત્ર બે પ્લેટફોર્મને રી -ડેવલપ કરી કેટલીક ટ્રેન ડાઇવર્ટ કરવા આયોજન થયું છે. અઢી વર્ષમાં તમામ સમસ્યાઓ ઉકેલી બીજું સેટેલાઇટ સ્ટેશન બનાવાશે.
વડોદરા રેલવે સ્ટેશનનું ભારણ ઘટાડવા છાયાપુરી રેલવે સ્ટેશનની સફળતા પછી વધુ એક સ્ટેશન સેટેલાઇટ સ્ટેશન તરીકે ડેવલપ કરવાના પ્રયાસો શરૂ કરાયા છે. શહેરની મધ્યમાં આવેલા પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે બ્રોડગેજ લાઇન અને સિગ્નલિંગ સિસ્ટમ આધુનિક બનાવાઇ છે. ત્યારે ત્યાંથી ડભોઇ રોડ અને મકરપુરા થઇ સરળતાથી આવી શકાય તેવી વ્યવસ્થાને પગલે મુંબઇ તરફનો રેલ વ્યવહાર ડાઇવર્ટ કરવા પ્રયાસ થઇ રહ્યો છે. બીજી બાજુ રેલવે દ્વારા આ સ્ટેશનને મંજૂરી અપાઈ છે. ત્યારે ડભોઇ રોડ તરફનો કેટલોક ભાગ જમીન સંપાદન કરવો પડે તેમજ અન્ય ટેક્નિકલ પ્રશ્નોને પગલે મોટું સ્ટેશન ડેવલપ કરાય તેવી સ્થિતિ નથી. ત્યારે પ્રાથમિક તબક્કે 24 કોચની ટ્રેન સમાવી શકાય તેવાં પ્લેટફોર્મ ડેવલપ કરી કેટલીક ટ્રેન ત્યાંથી શરૂ કરાશે.
હાલમાં કઇ કઇ કામગીરી ચાલુ છે
પ્રતાપનગર માટે 4 કિ.મી. વિશ્વામિત્રી સુધી ઇલેક્ટ્રિક લાઇન નથી. જે લાઇન નાંખવા માટે કામગીરીમાં 80 ટકા ઓવર હેડ વાયર નંખાયા છે. પ્લેટફોર્મ નંબર -2 પર 24 કોચ માટે સ્કેચ તૈયાર છે. આઠ મહિનામાં બે પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રિક સેક્શન તૈયાર થશે અને ટ્રેન શરૂ થશે. ત્યાર બાદ વિશ્વામિત્રીના ટ્રાઇએંગલનો પ્રશ્ન દૂર કરવા વડોદરા -પ્રતાપનગરથી 3.5 કિ.મી. નેરોગેજ લાઇનને ઉખેડી બ્રોડગેજ લાઇન નાંખી કરજણ મેઇન લાઇન સાથે કનેક્ટ કરવા અઢી વર્ષનું અલ્ટિમેટમ અપાયું છે.
પ્રતાપનગર 8 ટ્રેન ડાઇવર્ટ કરવાનું આયોજન
પ્રતાપનગર ખાતે હાલ છોટાઉદેપુર જવા અને આવવાની 8 ટ્રિપ છે. એક નેરોગેજ જંબુસર ટ્રેન છે. જો બે પ્લેટફોર્મ 24 કોચની ક્ષમતાનાં થાય તો બરોડા એક્સપ્રેસ , ભીલાડ, મહામના અને સુરત સુધી જતી મેમુ ટ્રેન ત્યાં ડાઇવર્ટ કરી શકાય.
2 પ્લેટફોર્મ રી-ડેવલપ કરાશે
ડીઆરએમ દેવેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર પ્રતાપનગરથી સીધા મુંબઇ જવા માટે બ્રોડગેજ લાઇન નથી. માત્ર વડોદરા સ્ટેશન સુધી ટ્રેન લઇ જવા લાઇન છે. જેથી વડોદરા સ્ટેશને એન્જિનની દિશા બદલવી પડે અને સમય બગડે. નવી લાઇન નાખવામાં સમય અને પૈસા બંને વધુ થાય. તેથી હાલ માત્ર બે પ્લેટફોર્મ રી-ડેવલપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *