ટ્રમ્પના સમારંભમાં વડોદરાથી 10 હજાર લોકો મોકલવા ટાર્ગેટ

Breaking News
  • કાર્યક્રમને સફળ બનાવવા એડીચોટીનું જોર
  • પાલિકાના 2 અધિકારીઓને કેવડિયા દોડાવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારી મુલાકાતને સફળ બનાવવા માટે તંત્રે એડીચોટીનુ જોર લગાવ્યું છે અને તેના માટે વડોદરાથી 10 હજાર લોકોને મોકલવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

1 લાખથી વધુની જનસંખ્યા ભેગી કરવાનું લક્ષ્યાંક
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે અને તેમની મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાતને ધ્યાનમાં રાખી તે રોડ પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યુ છે. અમદાવાદ એેરપોર્ટથી ડોનાલ્ડ ટ્રમ્પ હેલિકોપ્ટરમાં મોટેરા સ્ટેડિયમ જશે અને ત્યાં 1 લાખથી વધુ જનસંખ્યા ભેગી કરવાનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અમદાવાદનુ અંતર વડોદરાથી 100 કિમીનુ હોવાથી વડોદરામાંથી 10 હજાર લોકોને ત્યાં મોકલવા માટે બિનસત્તાવાર ફરમાન મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે અને તેના કારણે 21થી 23 ફેબ્રુઆરી સુધીના ત્રણ દિવસના મિની વેકેશનનો લાભ વડોદરાના સરકારી કર્મચારીઓને જતો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. એટલુ જ નહીં, કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખની સાથે પ્રધાનમંત્રી આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવાની બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે વડોદરા પાલિકાના આસીસ્ટંટ કમિશનર કક્ષાના બે અધિકારીઓ મંગળવારે કેવડિયા કોલોની ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *