ક્યુબિકલ ગણેશ, મૂર્તિ વિસર્જન બાદ તેમાંથી છોડ ઉગે છે

General Social
  • શ્રદ્ધા અને પર્યાવરણને સાંકળતા નવા અભિગમ સાથે  શ્રીજી ઉત્સવની ઉજવણી

શ્રદ્ધા અને પર્યાવરણને સાંકળતા નવા અભિગમ સાથે શહેરના યુવાન દ્વારા ક્યુબિકલ ગણેશની વિશેષ મૂર્તિ બનાવવામાં આવી છે.જેમાં મૂર્તિની બનાવટ સમયે તેમાં છોડનાં બીજ મૂકવામાં આવે છે.મૂર્તિના વિસર્જન બાદ તેમાંથી છોડ ઉગી નિકળે છે. ગત વર્ષે ફટકડીના ગણેશજીની મૂર્તિઓ બનાવી પર્યાવરણને અનુકૂળ મૂર્તિ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

અનેક શહેરોમાંથી મળ્યા ઓર્ડર
વધુમાં ક્યુબિકલ ગણેશજીની મૂર્તિ બનાવનાર વિશાલ સોનીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે માટીની ગણેશજીની મૂર્તિની બનાવટમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિ બનાવતી વેળાએ તેમાં છોડના બીજને પણ સમાવવામાં આવે છે. વધુમાં માટીની મૂર્તિની મજબૂતાઇ વધારવા માટે તેમાં કોકાપીટાના રેસા પણ નાંખવામાં આવે છે. જેને કારણે ક્યુબિકલ ગણેશજીની મૂર્તિનું 10 દિવસ પૂજન-અર્ચન કરીને વિસર્જન બાદ તેમાંથી છોડ ઉગી નીકળે તે પ્રકારના વિશેષ અભિગમ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ હૈદરાબાદમાં આ પ્રકારની મૂર્તિની બનાવટ શરૂ કરવામાં આવી હતી.પરંતુ સ્થાનિક લોકોમાં તેની માંગ ઓછી હોવાના કારણે પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો હતો. વડોદરામાં શ્રદ્ધા અને પર્યાવરણને સાંકળતા અભિગમને ટૂંકા ગાળામાં વ્યાપક પ્રમાણમાં લોકપ્રિયતા હાંસલ થઇ છે.પ્રોજેક્ટ શરૂ કર્યાના થોડાક જ દિવસોમાં વડોદરા, અમદાવાદ, સુરત તથા અન્ય શહેરોમાંથી અનેક લોકો દ્વારા મૂર્તિ ના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.

મૂર્તિની સાથે કૂંડું, બીજ અને ખાતર અપાય છે
આ અંગે વિશાલ સોનીએ જણાવ્યું હતું કે, ક્યુબિકલ ગણેશજીની મૂર્તિ સાથે માટી ભરેલુ કુંડું,વધારાનાં બીજ અને ખાતર પણ આપવામાં આવે છે. વિસર્જન બાદ ગણેશજીની મૂર્તિમાં અગાઉથી મૂકવામાં આવેલા છોડના બીજને ઉગાડવા માટે અલગથી જરૂરી તમામ ચીજ-વસ્તુઓ આપવામાં આવે છે. કુંડામાં વિસર્જન કરીને આસાનીથી છોડને ઉગવા માટે અનુકૂળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *